17 બેઠકો પર અપક્ષનો દબદબો અને ગોધરા નગરપાલિકામાં કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ
પ્રતીનિધિ ગોધરા તા.28
ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર થઈ ગયા છે. જેમાં કુલ 44 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 23 બેઠકો પર ચૂંટણી જીતી છે અને અન્ય 4 બેઠકો પર બિનહરીફ વિજય મેળવીને કુલ 27 બેઠકો સાથે પાલિકામાં સત્તા કાયમ રાખી સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ ભારે જોર પકડ્યું છે અને 17 બેઠકો પર જીત નોંધાવીને નગરપાલિકામાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યા છે. સૌથી આશ્ચર્યજનક અને નોંધનીય બાબત એ છે કે આ ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસની દૂર-દૂર સુધી કોઈ અસર જોવા મળી નથી અને ગોધરા નગરપાલિકામાં કોંગ્રેસ સંપૂર્ણપણે શૂન્ય પર સમેટાઈ ગઈ છે.
ચૂંટણીના વોર્ડવાર આંકડાઓના વિશ્લેષણ પર નજર કરીએ તો, ભાજપે વોર્ડ નંબર 1, 2, 3, 4, 10 અને 11 માં પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ જાળવી રાખીને તમામ બેઠકો પર કબજો જમાવ્યો છે. વોર્ડ નંબર 3, 4 અને 10 માંથી ભાજપના કુલ 4 ઉમેદવારો (શ્રુતિબેન બારીઆ, વર્ષાબેન ઠાકર, રૂચિ ચૌહાણ અને મિતલબેન સોલંકી) અગાઉથી જ બિનહરીફ જાહેર થયા હતા. જોકે, ગોધરાના રાજકારણમાં સૌથી મોટો અને ઐતિહાસિક ઉલટફેર વોર્ડ 6, 7, 8 અને 9 માં જોવા મળ્યો છે. આ ચારેય વોર્ડની તમામ 16 બેઠકો પર સ્થાનિક મતદારોએ પક્ષીય રાજકારણને જાકારો આપીને માત્ર અપક્ષ ઉમેદવારોને જ ખોબલે ને ખોબલે મત આપ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 5 ની એક બેઠક પર પણ અપક્ષ ઉમેદવાર જીનલબેન સોનીએ ભાજપની પેનલ તોડીને વિજય મેળવ્યો છે, જેનાથી અપક્ષનો કુલ આંકડો 17 પર પહોંચી ગયો છે.
મતદાનના આંકડાઓની વાત કરીએ તો, વોર્ડ 7 માં અપક્ષ ઉમેદવાર સાજીદ સિકંદર કલાએ અત્યાર સુધીના સૌથી વધુ 7239 મતો મેળવીને રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી છે, જ્યારે ભાજપ તરફથી વોર્ડ 4 માં દિપેશસિંહ ઠાકોરે 5234 મતો મેળવીને મોટી લીડ નોંધાવી છે. ગોધરા નગરપાલિકાના આ પરિણામો સ્પષ્ટ કરે છે કે શહેરીજનોએ એક તરફ શાસન ધુરા ભાજપને સોંપી છે. પરંતુ બીજી તરફ અડધા શહેરમાં માત્ર સ્થાનિક અને સ્વતંત્ર ચહેરાઓ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે કોંગ્રેસને સ્થાનિક મતદારોએ સદંતર નકારી કાઢતા પક્ષ શૂન્ય પર સમેટાયો છે.
રિપોર્ટર: આશિષ બારીયા