હિન્દુસ્તાન, ભારત અને નાયરા પેટ્રોલિયમ પંપ પર બે દિવસથી જથ્થો ખલાસ
પુરવઠા અધિકારીઓ તાત્કાલિક દખલ કરે તેવી લોકમાં ઉઠી માંગ
નસવાડી |
નસવાડી તાલુકામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને નાયરા પેટ્રોલિયમ સહિતના અનેક પેટ્રોલ પંપ પર ઈંધણ ઉપલબ્ધ ન હોવાને કારણે સ્થાનિકો તેમજ મધ્યપ્રદેશ તરફ જતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નસવાડી ટાઉનમાં આશરે 210થી વધુ ગામોના લોકો દૈનિક કામકાજ માટે આવે છે. મોટાભાગના લોકો બાઈક અને અન્ય વાહનો પર આધાર રાખતા હોવાને કારણે પેટ્રોલ-ડીઝલના અભાવે દૈનિક જીવન પ્રભાવિત થયું છે.
પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી કંપની તરફથી જથ્થો જ આપવામાં આવ્યો નથી, જેના કારણે પંપ પર “પેટ્રોલ નથી” જેવા બોર્ડ લગાવવાની ફરજ પડી છે. બીજી તરફ સરકાર તરફથી તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કેટલાક સ્થળોએ મોંઘા ભાવે કાળા બજારમાં પેટ્રોલ વેચાતું હોવાને કારણે બાઈકચાલકો મજબૂરીમાં વધુ ભાવ ચૂકવી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જ આ સ્થિતિ સર્જાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નસવાડી નજીક આવેલા છ જેટલા પેટ્રોલ પંપમાંથી અનેક પંપ પર સતત બે દિવસથી પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ નથી. જેના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ, રેતી-કપચી પરિવહન તેમજ લોડિંગ ટેમ્પો ચલાવતા વાહનચાલકો પણ ગંભીર અસર અનુભવી રહ્યા છે.
આ પરિસ્થિતિને લઈને સ્થાનિક જાગૃત નાગરિકોએ છોટાઉદેપુર જિલ્લોના જિલ્લા પુરવઠા અધિકારી તાત્કાલિક દખલ કરી પેટ્રોલ-ડીઝલ પુરવઠાની સ્થિતિ અંગે માહિતી મેળવી પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવી માંગ ઉઠાવી છે.
પ્રતિનિધિ: સરવેઝ મેમણ