ઈજનેરીમાં 20,890 અને ફાર્મસીમાં 1,400 બેઠકો માટે શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા
3 પ્રશ્નો રદ થતાં તમામ વિદ્યાર્થીઓને મળ્યા 6 ગુણ, એન્જિનિયરિંગમાં સર્વોચ્ચ સ્કોર 197.5 માર્ક્સ
(પ્રતિનિધિ) વડોદરા, તા.29
ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીના બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલી ડીડીસીઈટી (DDCET) પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) અને અન્ય સ્વાયત્ત કોલેજો દ્વારા સંયુક્ત રીતે લેવાયેલી આ પરીક્ષાના આધારે એન્જિનિયરિંગમાં 20,890 અને ફાર્મસીમાં 1,400 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પરીક્ષાના પરિણામ પહેલાં જ પ્રશ્નપત્રના 3 પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા, જેના બદલામાં તમામ વિદ્યાર્થીઓને 6 ગુણ આપવામાં આવ્યા હતા. ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માટે યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં અન્ય રાજ્યોના 596 વિદ્યાર્થીઓ સહિત કુલ 22,170 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. 20 મેના રોજ રાજ્યભરના 41 કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષામાં 21,212 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષા પૂર્ણ થયા બાદ એ જ સાંજે ઓનલાઈન આન્સર કી જાહેર કરવામાં આવી હતી. આન્સર કી સામે કુલ 28 વિદ્યાર્થીઓએ 13 પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. નિષ્ણાત સમિતિ દ્વારા સમીક્ષા કર્યા બાદ 3 પ્રશ્નો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના ગુણ તમામ ઉમેદવારોને ફાળવવામાં આવ્યા હતા.
કુલ 200 ગુણની પરીક્ષામાં એન્જિનિયરિંગ વિભાગમાં સર્વોચ્ચ 197.5 ગુણ જ્યારે ફાર્મસી વિભાગમાં સર્વોચ્ચ 135 ગુણ નોંધાયા છે. રાજ્યની 11 સરકારી અને 3 અનુદાનિત કોલેજોની 2,888 બેઠકો ઉપરાંત 148 સ્વનિર્ભર કોલેજોની 43,612 બેઠકો મળીને કુલ 46,500 એન્જિનિયરિંગ બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે ફાર્મસીમાં 3 સરકારી અને 3 અનુદાનિત કોલેજોની કુલ 1,400 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આગામી 22 જૂનથી શરૂ થવાની શક્યતા છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ હવે પ્રવેશના આગામી તબક્કાની રાહ જોઈ રહ્યા છે.