વિજય સરઘસમાં બંદૂક ફરકાવવી ભારે પડી: સાંસદ જશુ રાઠવા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
વાયરલ વીડિયો બાદ પોલીસની કાર્યવાહી, હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ
છોટાઉદેપુર, તા. 29 ()
છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બાદ નીકળેલા વિજય સરઘસ દરમિયાન હાથમાં બંદૂક લઈને નાચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તથા તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા સામે હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટની કલમ 135 હેઠળ નોંધાયેલા ગુનાની કાર્યવાહી બાદ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ નોંધ મુજબ, તા. 23 મેના રોજ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતાં વિજય સરઘસ યોજાયો હતો. આ દરમિયાન આરોપીઓ હાથમાં બંદૂક લઈને ડીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મામલે પ્રતિક્રિયા આપતા સાંસદ જશુ રાઠવાએ જણાવ્યું હતું કે ઉત્સાહના અતિરેકમાં કાયદાનું ભાન રહ્યું નહોતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે બંદૂક માત્ર હાથમાં પકડી હતી, તેને ચલાવવાનો કોઈ ઇરાદો નહોતો. તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે તીર-કામઠા જેવા હથિયારો ધારણ કરવાની પ્રથા પણ જોવા મળે છે.
વાયરલ વીડિયો અને જાહેર વિરોધને ધ્યાને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર: સંજય સોની