World

રશિયા-બ્રિટન ટેન્શન વધ્યું: સ્ટાર્મરની ધમકી છતાં 98 જહાજોએ અંગ્રેજી ચેનલ પાર કરી

રશિયા અને બ્રિટન વચ્ચેનો તણાવ હવે સમુદ્રમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે રશિયાને ચેતવણી આપી હતી કે જો તેની શેડો ફ્લીટના જહાજો બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હકીકતમાં આ ચેતવણીનો કોઈ ખાસ અસર જોવા મળી નથી. રિપોર્ટ મુજબ, સ્ટાર્મરની ચેતવણી બાદ પણ લગભગ 98 રશિયન જહાજો બ્રિટનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ ગયા છે. આ આંકડો પહેલા ત્રણ મહિનાની સરેરાશ જેટલો જ છે, એટલે કે રશિયન જહાજોની અવરજવર યથાવત્ ચાલી રહી છે. આથી એવું લાગી રહ્યું છે કે રશિયાએ બ્રિટનની ધમકીને ખાસ ગંભીરતાથી લીધી નથી.

આ તમામ જહાજોમાંથી અત્યાર સુધી કોઈને રોકવામાં આવ્યા નથી કે કબ્જે લેવામાં આવ્યા નથી. બ્રિટન દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી પણ જાહેર કરવામાં આવી નથી. આ સ્થિતિ બ્રિટનની દરિયાઈ સુરક્ષા ક્ષમતાઓ પર પ્રશ્નો ઉભા કરે છે. ‘શેડો ફ્લીટ’ એટલે એવા જહાજોનું નેટવર્ક, જે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને નિયમોથી બચવા માટે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. તેમાંથી બચવા માટે રશિયા આવા જહાજોનો ઉપયોગ કરીને તેલ, ગેસ અને અન્ય સામાનનું પરિવહન કરે છે. આ જહાજો સામાન્ય રીતે કોઈ સ્પષ્ટ ઓળખ વગર કાર્ય કરે છે.

ડેટા મુજબ, 63 જહાજો ઇંગ્લિશ ચેનલ મારફતે બ્રિટનના દરિયાકિનારાથી 12 નોટિકલ માઇલની અંદરથી પસાર થયા હતા. આ માર્ગ બાલ્ટિક સાગર અને દક્ષિણ યુરોપ વચ્ચેનો મહત્વપૂર્ણ સમુદ્રી રસ્તો છે. ઉપરાંત, 35 જહાજો બ્રિટનના એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માંથી પસાર થયા, જે દરિયાકિનારાથી 200 નોટિકલ માઇલ સુધી ફેલાયેલો વિસ્તાર છે. મોટાભાગના જહાજો ઉત્તર સ્કોટલેન્ડની આસપાસથી પસાર થયા હતા. ખાસ વાત એ છે કે યુરોપના અન્ય દેશો જેમ કે ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્વીડને રશિયન શેડો ફ્લીટ સામે કડક પગલાં લીધા છે. કેટલાક જહાજોને રોકવામાં આવ્યા છે અથવા તેમની તપાસ કરવામાં આવી છે.

એક સમયે બ્રિટન પાસે વિશ્વનું સૌથી શક્તિશાળી નૌકાદળ હતું. પરંતુ હાલમાં તેની નૌકાદળ ક્ષમતા ઘટી ગઈ છે. નિષ્ણાતો માને છે કે મર્યાદિત નૌકાદળ અને નબળું તટરક્ષક તંત્ર બ્રિટન માટે પડકાર બની રહ્યું છે. આ કારણોસર તે રશિયન જહાજોને રોકવામાં અસમર્થ જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાથી બ્રિટનની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિષ્ઠા પર પણ પ્રશ્નો ઊભા થાય છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં વધુ પડકારો ઊભા થઈ શકે છે.

Most Popular

To Top