Gujarat

દક્ષિણ ગુજરાતની બાગાયતી સિદ્ધિ: 2.40 લાખ મેટ્રિક ટન સાથે 230 કરોડનું ચીકુ ઉત્પાદન

ચીકુ ખેતીમાં દક્ષિણ ગુજરાતનો દબદબો, વૈશ્વિક બજારો તરફ નજર, દક્ષિણ ગુજરાત ચીકુ ઉત્પાદનમાં અગ્રેસર,
VGRC 2026માં ચમકશે દક્ષિણ ગુજરાતનું ચીકુ, રોકાણકારો માટે નવી તકો

ગાંધીનગર,

ગુજરાત બાગાયતી ક્ષેત્રમાં સતત પ્રગતિ સાથે ચીકુ (સપોટા) ઉત્પાદનમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મજબૂત બનાવી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2024-25 દરમિયાન કુલ 2.40 લાખ મેટ્રિક ટનથી વધુ ચીકુનું ઉત્પાદન નોંધાયું છે, જેમાંથી લગભગ 50 ટકા ફાળો દક્ષિણ ગુજરાતનો રહ્યો છે.
દક્ષિણ ગુજરાતે આ સમયગાળા દરમિયાન અંદાજે 1.15 લાખ મેટ્રિક ટનથી વધુ ચીકુનું ઉત્પાદન કર્યું છે, જેનું બજાર મૂલ્ય 230 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ઉત્પાદિત દરેક બીજો ચીકુ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે, જે પ્રદેશની કૃષિ ક્ષમતાને ઉજાગર કરે છે.

રાજ્ય સરકારના બાગાયત વિભાગ મુજબ, ગુજરાત દેશનું બીજા ક્રમનું સૌથી મોટું ચીકુ ઉત્પાદક રાજ્ય છે. રાજ્યમાં 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચીકુની ખેતી થઈ રહી છે, જે ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે. ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ વિવિધ સહાય યોજનાઓ અમલમાં મુકાઈ છે. ચીકુના પાક માટે વાવેતર સામગ્રી પર 90 ટકા સુધી સહાય આપવામાં આવે છે, જ્યારે પ્રતિ હેક્ટર રૂ. 22,000 સુધીની આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવી રહી છે. આ પગલાં ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે મદદરૂપ બની રહ્યા છે.
આ સાથે, 1 અને 2 મે દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026નું આયોજન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની બાગાયતી સિદ્ધિઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવશે. પરિષદમાં કૃષિ ક્ષેત્રમાં રોકાણ, પ્રોસેસિંગ, પેકેજિંગ અને નિકાસ જેવી તકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.કૃષિ વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, તાજા અને પ્રોસેસ્ડ ફળોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોલ્ડ ચેઇન, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં રોકાણ માટે વિશાળ સંભાવનાઓ ઉભી થઈ રહી છે.દક્ષિણ ગુજરાતમાં ચીકુ ખેતીની આ સફળતા રાજ્યની કૃષિ વૈવિધ્યકરણ, બજાર જોડાણ અને ખેડૂત સશક્તિકરણની દિશામાં લેવાયેલા પગલાંઓનું પ્રતિબિંબ છે. આ પ્રગતિ માત્ર કૃષિ વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામિણ આર્થિક વૃદ્ધિ અને નવા રોકાણ અવસરોને પણ પ્રોત્સાહન આપી રહી છે.

Most Popular

To Top