Vadodara

સ્માર્ટ સિટી કે ‘ભૂવા સિટી’ ? મકરપુરાના મસમોટા ભૂવાએ વિકાસના દાવાઓની પોલ ખોલી

આખેઆખી કાર ગરકાવ થઈ જાય એવો ભયાનક ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ
રસ્તા પર થીગડાં મારીને ક્યાં સુધી છુપાવશો ભ્રષ્ટાચાર ? સ્થાનિકોમાં ઉગ્ર રોષ

(પ્રતિનિધિ), વડોદરા તા.11
વડોદરાના મકરપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અચાનક જ પડેલા મસમોટા ભૂવાએ શહેરના વિકાસ અને રોડની ગુણવત્તાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. રસ્તો અચાનક બેસી જતા સર્જાયેલા આ ભયાનક ભૂવામાં આખેઆખી કાર ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ત્યાંથી પસાર ન થતાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ભય અને રોષ ફેલાવ્યો છે.

મકરપુરાના વ્યસ્ત માર્ગ પર પડેલો આ ભૂવો એટલો ઊંડો અને પહોળો છે કે સ્થાનિકો પણ તેને “મોતનો કૂવો” ગણાવી રહ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. રાહદારીઓ અને વાહનચાલકોમાં હવે રસ્તા પર વાહન હંકારીને પસાર થવામાં પણ ભય જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે શહેરમાં રોડ પર માત્ર થીગડાં મારીને કામ ચલાવવાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જ્યારે અંદરથી રોડની સ્થિતિ અત્યંત નબળી છે. વારંવાર પડતા ભૂવા સાબિત કરે છે કે રોડ નિર્માણમાં વપરાતું મટીરીયલ તેમજ ડ્રેનેજ લાઈનની કામગીરી હલકી કક્ષાની થઈ રહી છે.

સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સામાન્ય જનતા વર્ષોથી ખાડા અને ખરાબ રસ્તાની સમસ્યાથી પરેશાન છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવે છે. લોકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં શહેરના માર્ગો પર સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે.

રહિશોના મતે મકરપુરાનો આ ભૂવો માત્ર એક અકસ્માત નથી, પરંતુ કોન્ટ્રાક્ટર અને જવાબદાર એન્જિનિયરોની મિલીભગત તથા ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે. “રસ્તા પર થીગડાં મારીને ક્યાં સુધી પાપ છુપાવશો?” એવો સવાલ લોકો ખુલ્લેઆમ ઉઠાવી રહ્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર માટી પુરીને સમગ્ર મામલે પડદો પાડી દેવામાં આવશે.

Most Popular

To Top