ડોક્ટર, હકીમ, વૈદ્ય માનવસમાજમાં જીવનરક્ષાની દિશામાં સતત કાર્યરત રહીને મૂલ્યવાન સેવા આજીવન આપતા રહે છે. તે ઉપરાંત કેટલાક ઉત્સાહી જનસેવકો આજીવન નિ:સ્વાર્થ ભાવે ભેદભાવ વિના નિ:શુલ્ક નિર્દોષ ઇલાજની વસ્તુઓ અજમાવે છે, જે પરિણામદાયી નીવડે છે. એમ જીવનરક્ષકોની યોગ્ય નોંધ લેવાવી જોઇએ. તેઓ નાના માણસોની માણસાઇનાં જીવંત પ્રતીકો છે. ધરતીરત્નો છે. અમદાવાદના આશીર્વાદ ફાઉન્ડેશન આવાં નરરત્નોને નોંધપાત્ર જનસેવા બદલ ધરતીરત્ન એવોર્ડ રોકડ પુરસ્કાર અને ટ્રોફી સાથે જનનેતા હસ્તે પ્રદાન કરે છે. આ વર્ષે ગુજરાતના બાર જનસેવકોમાંથી નવ તો વ્યક્તિવિશેષ તરીકેની નોંધ સાથે ગુજરાત રાજ્યમાંથી પસંદ થયા છે.
તેમાંયે વિશેષ ગર્વીલી હકીકતો સુરતના ઇશ્વરભાઇ પટેલની પસંદગી અને મુખ્ય પ્રધાનના શુભ હસ્તે સન્માનિત થયાની છે. ઇશ્વરના દૂતની ભૂમિકામાં ઈશ્વરભાઇએ 50 વર્ષોથી સેવાયજ્ઞ ચલાવી 10 લાખથી વધુ વ્યક્તિઓને સાજાં કર્યાં છે. નિ:શુલ્ક સેવા હોવા છતાં દર્દીઓ સ્વૈચ્છિક પ્રતીક દાન દે છે. ઇશ્વરભાઇની સાથે તેમનો સુપુત્ર પણ સેવા કરે છે. કમળાની દવા ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સત્ત્વશીલ વાચન પણ આ જનસેવક કરતા રહે છે. જનસાધારણ ઉપરાંત અધિકારીજનો જનનેતાઓ, જનસેવકો પણ લાભાન્વિત થઇ ચૂક્યા છે. સમાજના દરેક વર્ગનાં લોકો કોઇ પણ જાતના ભેદભાવ વિના લાભાન્વિત થાય છે. માનવતાની દિશામાં જીવનરક્ષકોનું એ જ તો છે જીવનકાર્ય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.