Entertainment

જેકલીન પીડિતા નહીં, ગુનામાં ભાગીદાર, EDના દાવાથી અભિનેત્રીની મુશ્કેલી વધી

200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીની કોર્ટમાં જેકલીનની અરજીનો સખત વિરોધ કર્યો હતો. જેકલીને કોર્ટમાં પોતાને ‘સરકારી ગવાહ’ બનાવવાની મંજૂરી માગી હતી, પરંતુ EDએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અભિનેત્રી આ કેસમાં કોઈ નિર્દોષ પીડિતા નથી, પરંતુ ગુનામાં સક્રિય રીતે સામેલ રહી છે. સ્પેશિયલ જજ પ્રશાંત શર્મા સમક્ષ દાખલ કરાયેલા જવાબમાં EDએ જણાવ્યું કે જૅકલીનને ઠગ સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઇતિહાસ વિશે સંપૂર્ણ જાણકારી હતી. એજન્સી મુજબ, જેકલીનને ખબર હતી કે સુકેશ સામે અનેક ગંભીર કેસો ચાલી રહ્યા છે, છતાં પણ તે સતત તેના સંપર્કમાં રહી હતી અને તેની પાસેથી મોંઘી ભેટો સ્વીકારતી રહી હતી. EDએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો કે જેકલીને માત્ર ભેટો જ સ્વીકારી નહોતી, પરંતુ ગુનાહિત રીતે કમાયેલા નાણાંનો લાભ પણ લીધો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, સુકેશે અભિનેત્રીને કરોડો રૂપિયાની લક્ઝરી ગિફ્ટ્સ આપી હતી, જેમાં મોંઘી કાર, જ્વેલરી અને અન્ય વૈભવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

તપાસ એજન્સીએ વધુમાં આરોપ લગાવ્યો કે તપાસ દરમિયાન જેકલીનનું વર્તન સહકારભર્યું રહ્યું નહોતું. EDના કહેવા મુજબ, અભિનેત્રીએ અનેક મહત્વપૂર્ણ વિગતો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તેના ભાઈ-બહેનોને વિદેશમાં મોકલવામાં આવેલા ફંડ તેમ જ બહેરીનમાં તેના માતા-પિતા માટે ખરીદવામાં આવેલી લક્ઝરી કાર જેવી બાબતોનો સમાવેશ થાય છે. EDએ કોર્ટને જણાવ્યું કે જેકલીન દ્વારા આપવામાં આવેલા નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે. એજન્સીનું માનવું છે કે અભિનેત્રી તપાસને ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે અને હવે પોતાને પીડિતા બતાવીને કાયદાકીય કાર્યવાહીથી બચવા માંગે છે. એજન્સીએ કોર્ટમાં દલીલ કરી કે જૅકલીનને સરકારી ગવાહ બનાવવી એ ન્યાયપ્રક્રિયા સાથે દગો કરવા સમાન હશે. EDનું કહેવું છે કે અભિનેત્રીએ સુકેશ દ્વારા છેતરપિંડીથી મેળવાયેલા પૈસાનો ભરપૂર લાભ લીધો છે, તેથી હવે પોતાને નિર્દોષ દર્શાવવું યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે, જેમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર છે. સુકેશ પર અનેક લોકો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા વસૂલવાના આરોપ છે. તપાસ દરમિયાન તેનું નામ અનેક બોલિવુડ સેલિબ્રિટીઓ સાથે પણ જોડાયું હતું, જેમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. આ કેસમાં ED પહેલાથી જ જેકલીનની અનેક વખત પૂછપરછ કરી ચૂકી છે. તપાસ દરમિયાન અભિનેત્રી અને સુકેશના ફોટા, ચેટ્સ અને મોંઘી ભેટોના પુરાવા પણ સામે આવ્યા હતા, જેના કારણે કેસ વધુ ચર્ચામાં આવ્યો હતો. આ મામલે હવે આગામી સુનાવણી 12 મેના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટ EDની દલીલો અને જેકલીનની અરજી પર શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top