Vadodara

વડોદરામાં આવતીકાલે પ્રધાનમંત્રીનો રોડ શો: ૧૬ મંચ બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે

દોઢ કિલો મીટરના રોડ શોમાં દેશના વિવિધ નૃત્યોની થશે પ્રસ્તુતિ*

વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ સોમવારના રોજ જ્યારે તેમની કર્મભૂમિ વડોદરા પધારશે ત્યારે પ્રજા દર્શન અને લોક સંવાદના અનોખા સેતુ તરીકે રોડ શોને માધ્યમ બનાવીને ગદા સર્કલથી જૂના એરપોર્ટના ગેટ સુધી જાહેર યાત્રા કરશે અને લોક અભિવાદન ઝીલશે.

સરદાર ધામ જન સમર્પણ કાર્યક્રમ બાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો કરશે. વડોદરાના લોકોના આ લાડીલા જન નાયકને મળવાનો, જોવાનો અને એમનું અભિવાદન કરવાનો અભૂતપૂર્વ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે મનપા અને તમામ સંલગ્ન તંત્રોએ સંકલિત અને સુઆયોજીત વ્યાપક વ્યવસ્થાઓ કરી છે·

જેના ભાગરૂપે અંદાજે દોઢ કિલોમીટરના સમગ્ર માર્ગ પર ૧૬ જેટલા સુસજ્જિત મંચ બનાવવામાં આવ્યા છે જ્યાં એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરતી અભિનવ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે.

આ પૈકી ગદા સર્કલ ખાતે પ્રથમ મંચ પરથી રોડ શોના પ્રારંભે પદાધિકારીઓ પ્રધાનમંત્રીશ્રી ની ભાવસભર અને ઉષ્માભર્યું અભિવાદન કરશે.

તે પછીના મંચ પર ગુજરાતની અસ્મિતાના પ્રતીક સમાન અને વિશ્વભરમાં નામાંકિત ગરબાની પ્રસ્તુતિ એટલા જ નામાંકિત કલા જૂથો કરશે. ગરબાની આ ઉર્જાસભર રમઝટ વચ્ચે રોડ શો આગળ વધશે.

તે પછી પ્રધાનમંત્રીનું બંગાળી કલાકારો દર્શનીય સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા અભિવાદન કરશે. તે પછી અસમના ઐતિહાસિક વિજય અને ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું બીહુ નૃત્ય નીવડેલા કલાકારો પ્રસ્તુત કરશે.

ત્યાર બાદ સરદાર સાહેબના પ્રેરક જીવન અને મૂલ્યોને ઉજાગર કરતી કૃતિ, તમિલનાડુનું હવે વિશ્વવ્યાપી બનેલું ભરત નાટ્યમ, કેરલમના કાંતારા કલા જૂથની આકર્ષક પ્રસ્તુતિ, મણિપુરી નૃત્ય, કેરલમ અને ઓરિસ્સાની કથકલી સહિતની કૃતિઓ, જગતજનની મહાકાલીના પૂજનની વિભાવના આધારિત કૃતિ, બાલ ગુરુજી દ્વારા નાદ સ્વરમ,રામાયણ ના વિષય વસ્તુ કેન્દ્રિત નૃત્ય અયોધ્યા, પ્રધાનમંત્રી ની રાષ્ટ્ર વિકાસની યોજનાઓ આધારિત જય જય ગરવી ગુજરાત – મેક ઇન ઈન્ડિયા વિષયક પ્રસ્તુતિ, ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની શૂરવીરતાની પ્રેરક પ્રસ્તુતિ, સિગારી મેલમ ઢોલ વાદન અને સુપ્રસિદ્ધ પંજાબી ભાંગડા નૃત્ય નીવડેલા કલાકારો દ્વારા ક્રમિક મંચો પર રજૂ કરીને પ્રધાનમંત્રીશ્રીનું અતિ ભવ્ય અને યાદગાર સાંસ્કૃતિક અભિવાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમો અનેકતામાં એકતા અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના ભારતીય વારસાને આધુનિક વિકાસ અને સુરક્ષાની સજ્જતા સાથે જોડીને અતુલ્ય ભારત – સુદર્શનીય ભારતના દર્શન કરાવશે અને તેમાંથી લોકલાડીલા પ્રધાનમંત્રીના લાગણીભીના અભિવાદનની સોડમ માણી શકાશે.આ સુદર્શનીય પ્રસ્તુતિઓ સાથે પ્રધાનમંત્રીના અભિવાદનની તક ઝડપી લેવા વડોદરાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આગમન પછી લગભગ સાંજના સાડા પાંચ વાગ્યાથી,ગદા સર્કલ નજીકથી તેની શરૂઆત થશે.

Most Popular

To Top