India

દિલ્હીથી લખનૌ 2 કલાક, વારાણસી 3 કલાક અને સિલીગુડી 6 કલાકમાં! બુલેટ ટ્રેનથી બદલાશે ભારતનું રેલ નકશો

ભારતમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણ તરફ એક વધુ મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી Ashwini Vaishnawએ જાહેરાત કરી છે કે દિલ્હીથી પશ્ચિમ બંગાળના સિલીગુડી સુધી નવી બુલેટ ટ્રેન કોરિડોર વિકસાવવામાં આવશે. આ હાઈ-સ્પીડ ટ્રેન દિલ્હી, લખનૌ, વારાણસી અને પટના થઈને સિલીગુડી પહોંચશે, જેના કારણે મુસાફરીનો સમય હાલના લગભગ 20 કલાકથી ઘટીને માત્ર 6 કલાક થઈ જશે.

આ પ્રસ્તાવિત બુલેટ ટ્રેન કોરિડોર ભારતના પૂર્વ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોને દેશની રાજધાની સાથે વધુ ઝડપી રીતે જોડશે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, દિલ્હીથી લખનૌ માત્ર 2 કલાકમાં અને દિલ્હીથી વારાણસી લગભગ 3 કલાકમાં પહોંચવું શક્ય બનશે. આ ઉપરાંત સિલીગુડી સુધીનો પ્રવાસ પણ માત્ર 6 કલાકમાં પૂર્ણ થઈ શકશે.

સિલીગુડીને ઉત્તર-પૂર્વ ભારતનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. હાલ ટ્રેન દ્વારા દિલ્હીથી સિલીગુડી પહોંચવામાં 18થી 20 કલાક જેટલો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ પ્રવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે મુસાફરી અત્યંત સરળ અને ઝડપી બનશે. ખાસ કરીને ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના આર્થિક વિકાસને મોટો વેગ મળશે.આ પ્રોજેક્ટ ભારતના હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો મહત્વપૂર્ણ ભાગ છે. હાલમાં દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ રૂટ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર પૂર્વ ભારતને પણ હાઈ-સ્પીડ રેલ સાથે જોડવા પર ભાર મૂકી રહી છે.

રેલવે મંત્રીએ પશ્ચિમ બંગાળમાં રેલવે વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી છે. તેમાં રેલવે લાઇન અપગ્રેડેશન, સાથે જ નવા સ્ટેશન વિકાસ, મેટ્રો વિસ્તરણ અને આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. કોલકાતા મેટ્રો માટે આગામી ચારથી પાંચ વર્ષમાં લગભગ 60 નવી પેઢીની મેટ્રો ટ્રેનો પણ સામેલ કરવામાં આવશે
નિષ્ણાતોના મતે, દિલ્હી-સિલીગુડી બુલેટ ટ્રેન માત્ર મુસાફરીનો સમય ઘટાડશે એટલું જ નહીં પરંતુ વેપાર, પર્યટન અને રોજગારીની નવી તકો પણ ઊભી કરશે. લખનૌ, વારાણસી, પટના અને સિલીગુડી જેવા શહેરો વચ્ચેનું અંતર ઘટતા આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

હાલ પ્રોજેક્ટ પ્રાથમિક આયોજનના તબક્કામાં છે અને તેની રૂપરેખા, અમલીકરણ અંગેની વધુ વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે આ જાહેરાત બાદ દેશના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્ય અંગે નવી આશાઓ જાગી છે. જો આ યોજના સમયસર પૂર્ણ થશે તો ભારત વિશ્વના અગ્રણી હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ધરાવતા દેશોની યાદીમાં વધુ મજબૂતીથી સ્થાન બનાવી શકશે.

Most Popular

To Top