Vadodara

વડોદરા પાલિકાની ઘોર બેદરકારી, મકરપુરા હનુમાનજી મંદિર પાસે બેરીકેડ વગરના ખાડામાં કાર ખાબકી

મોટી જાનહાનિ ટળી, જો કાર પલટી હોત તો જવાબદાર કોણ ? ભોગ બનનાર કારચાલકનો તંત્ર સામે રોષ

(પ્રતિનિધિ), વડોદરા. તા.12

વડોદરામાં વહીવટી તંત્રની લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 19 માં આવેલા મકરપુરા હનુમાનજી મંદિરની બરાબર સામે કોર્પોરેશનની બેદરકારીને કારણે એક નિર્દોષ વાહનચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. સુરક્ષાના સાધનો કે બેરીકેડ વગર ખોદવામાં આવેલા ખાડામાં એક ફોર-વ્હીલર કાર ઉતરી જતાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મકરપુરા હનુમાનજી મંદિરની સામે મેઇન રોડ પર કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે રસ્તાની એક તરફ મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ, જાહેર રસ્તા પર જ્યારે પણ આવું ખોદકામ થાય ત્યારે ત્યાં પ્રોપર બેરીકેડિંગ, રિફ્લેક્ટર અથવા ચેતવણીના બોર્ડ લગાવવા અનિવાર્ય છે. જોકે, અહીં તંત્રએ તમામ નિયમો નેવે મૂકી કોઈ પણ પ્રકારની આડશ વગર ખાડો ખુલ્લો છોડી દીધો હતો. પરિણામે, ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર સીધી ખાડામાં ખાબકી હતી.

અકસ્માતનો ભોગ બનેલા કારચાલકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, મેઇન રોડની બાજુમાં જ આટલો મોટો ખાડો છે, છતાં તંત્રએ એક નાનું બોર્ડ પણ મારવાની તસ્દી લીધી નથી. સદનસીબે મારી કાર પલટી નથી ખાઈ ગઈ, બાકી આજે મોટી જાનહાનિ થઈ શકી હોત. શું કોર્પોરેશન કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે ? ટેક્સ ભરતી જનતાની સુરક્ષાનું શું ?

આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને દુકાનદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવે છે પણ પછી તેને અધૂરી છોડી દેવી કે સુરક્ષાના પગલાં ન લેવા તે અહીંની કાયમી સમસ્યા બની ગઈ છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ જીવતા મોતના સમાન સાબિત થાય છે.


કારચાલક અને સ્થાનિકોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી માગ કરી છે કે વડોદરામાં જ્યાં પણ આવા કામો ચાલતા હોય ત્યાં ફરજિયાત સુરક્ષા બોર્ડ લગાવવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક અકસ્માતનો ભોગ ન બને.

Most Popular

To Top