તંત્રની ઘોર બેદરકારી, ભરઉનાળે ગોત્રી વિસ્તારમાં 10 કલાકથી વીજ ગુલ, MGVCLના પાપે રહીશોની રાત આકરા બફારામાં વીતી
ફોન ન ઉઠાવાતા રોષે ભરાયેલા લોકો MGVCL કચેરીમાં જ પથારી કરીને સૂઈ ગયા
કુંભારવાડા ફળિયા સહિતના વિસ્તારોમાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ, ફરિયાદ નંબર પણ બંધ આવતા લોકોનો પિત્તો ગયો
(પ્રતિનિધિ), વડોદરા. તા.12
વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોત્રી વિસ્તારના રહીશોની હાલત કફોડી બની છે. ગોત્રી તળાવ સામે આવેલા કુંભારવાડા ફળિયા સહિતના આસપાસના વિસ્તારોમાં 10 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોનો મિજાજ સાતમા આસમાને પહોંચ્યો હતો. તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને લોકોએ MGVCL કચેરી ખાતે જઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી વિસ્તારમાં ગઈકાલે રાત્રે 8:00 વાગ્યાથી અચાનક વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો. કલાકો વીતવા છતાં વીજળી ન આવતા લોકોએ MGVCL ના ફરિયાદ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે ફરિયાદ નંબર સતત બંધ આવી રહ્યો હતો. એટલું જ નહીં, જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ ફોન પણ ઉપાડતા ન હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
હાલમાં વડોદરામાં તાપમાનનો પારો ઊંચો છે, ત્યારે 10-10 કલાક સુધી વીજળી ગુલ રહેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ગરમી અને બફારાને કારણે નાના બાળકો આખી રાત રડતા રહ્યા હતા. બીમાર અને વૃદ્ધ વ્યક્તિઓની તબિયત લથડવાની ભીતિ સેવાઈ હતી. ઘરના રોજિંદા કામો અને પાણીની સુવિધા પણ વીજળી વગર પ્રભાવિત થઈ હતી.
તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરવા માટે રહીશોએ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ શરૂ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને યુવાનો MGVCLની કચેરીએ દોડી ગયા હતા. ત્યાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા, લોકોએ કચેરીના કમ્પાઉન્ડમાં જ પથારીઓ કરી દીધી હતી અને ત્યાં જ ઊંઘીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, જો અમને ઘરે સુખેથી ઊંઘવા ન દેતા હોય, તો અધિકારીઓએ પણ એસી કેબિનમાં બેસવાનો કોઈ હક નથી.
વારંવારની ફરિયાદો છતાં મેન્ટેનન્સના નામે કે ફોલ્ટના નામે કલાકો સુધી વીજળી કાપી નાખવાની નીતિ સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આટલા મોટા વિરોધ પ્રદર્શન બાદ MGVCLનું તંત્ર એક્શન મોડમાં આવી કાયમી ઉકેલ લાવે છે કે પછી જનતાએ હજુ પણ અંધારામાં દિવસો વિતાવવા પડશે.