આપણી પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં અન્ય કોઇ સ્થળે, અન્ય કોઇ ગ્રહ પર જીવસૃષ્ટિ છે કે નહીં? તે લાંબા સમયથી માણસ માટે એક કુતૂહલનો વિષય રહ્યો છે. પરગ્રહ પરથી કેટલાક સજીવોએ પૃથ્વીની મુલાકાત લીધી હોય તેવી અટકળો અને દાવાઓ પણ થતા રહ્યા છે. વર્ષો પહેલા તો ઉડતી રકાબીનો મુદ્દો ભારે ચર્ચિત બન્યો હતો. રકાબી જેવા આકારના અવકાશયાનોમાં બેસીને પરગ્રહવાસીઓ પૃથ્વી પર આવે છે એવી વાતો ઘણી વહેતી થઇ હતી. ઘણા લોકોએ પોતે આ ઉડતી રકાબીઓ જોઇ હોવાના દાવા પણ કર્યા. જો કે કોઇ દાવાઓની નક્કર પુષ્ટિ થઇ શકી નહીં.
બાદમાં આ ઉડતી રકાબીઓને UFO (અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ) એવું નામ આપવામાં આવ્યું, એટલે કે ઓળખી નહીં શકાયા છે તેવા ઉડતા પદાર્થો. કેટલાક લોકો, ખાસ કરીને અમેરિકનોનો એક વર્ગ એવી શંકા કરે છે કે અમેરિકાનું લશ્કર આ ઉડતી રકાબીઓ અને પરગ્રહના લોકોનું રહસ્ય જાણે છે પરંતુ તે જાહેર કરતું નથી. લાંબા સમયથી ચાલતા ગણગણાટ અને ચર્ચાઓ પછી અમેરિકાના સંરક્ષણ વડામથક પેન્ટાગોન દ્વારા તેની પાસે આ અંગે જે પણ કંઇ માહિતી છે તે જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હાલમાં તેના દ્વારા આ માહિતીની ૧૬૧ ફાઇલો જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.
પેન્ટાગોન દ્વારા UFO પર જાહેર કરવામાં આવેલા નવા દસ્તાવેજોમાં પૃથ્વી પરના નાગરિકો અને ચંદ્ર પરના અવકાશયાત્રીઓ દ્વારા જોવામાં આવેલા અજાણ્યા પદાર્થોના વર્ણનનો સમાવેશ થાય છે. દાયકાઓ જૂના આ દસ્તાવેજોને ડિક્લાસિફાય (બિન-ગોપનીય) કરવામાં આવ્યા છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર શુક્રવારે ઓનલાઈન મૂકવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ લોકોમાં જોવા મળતા ભારે રસને ધ્યાનમાં રાખીને આ ફાઇલો જાહેર કરશે. તાજેતરના વર્ષોમાં અમેરિકામાં પરગ્રહી જીવન (એલિયન લાઇફ) પ્રત્યે જાહેર જનતાનો રસ ફરી વધ્યો છે.
2022 માં, કોંગ્રેસે UFOs પર 50 વર્ષમાં પ્રથમ વખત સુનાવણી હાથ ધરી હતી અને સૈન્યએ આ બાબતે વધુ પારદર્શિતા રાખવાનું વચન આપ્યું હતું. હાલમાં સંરક્ષણ વિભાગની વેબસાઇટ પર 161 ફાઇલો ઉપલબ્ધ છે, અને હજુ વધુ ફાઇલો જાહેર થવાની બાકી છે. ફાઇલોની આ રજૂઆત ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના એ નિવેદન પછી આવી છે, જેમાં તેમણે ફેબ્રુઆરીના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એલિયન્સ છે, પરંતુ મેં તેમને જોયા નથી. આ નિવેદનને કારણે લોકોમાં ભારે કુતૂહલ જાગ્યું હતું.
જો કે, ઓબામાએ પાછળથી તેમના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આંકડાકીય રીતે જોતા અવકાશમાં ક્યાંક જીવન હોવાની શક્યતા છે, પરંતુ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમને આ અંગે કોઈ પુરાવા મળ્યા નહોતા. ત્યારબાદ તે જ મહિનામાં, ટ્રમ્પે પેન્ટાગોનને “એલિયન અને પરગ્રહી જીવન, અજ્ઞાત હવાઈ ઘટનાઓ (UAP) અને અજાણી ઉડતી વસ્તુઓ (UFOs) ને લગતી ફાઇલો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. હાલમાં બહાર આવેલી ફાઇલોમાં દાયકાઓ જૂના સૈન્ય મેમો, એપોલો મૂન મિશનના અહેવાલો અને એવા વ્યક્તિઓના નિવેદનો શામેલ છે જેઓ દાવો કરે છે કે તેમણે એવી ઉડતી વસ્તુઓ (UFO) જોઈ છે જે પરગ્રહની હોવાની શંકા સેવાઈ રહી છે.
આ ફાઇલોમાં 1960 અને 1970ના દાયકામાં એપોલો 11, એપોલો 12 અને એપોલો 17 ચંદ્ર મિશન પર ગયેલા અવકાશયાત્રીઓની કેફિયતની અગાઉ ગુપ્ત રાખવામાં આવેલી લેખિત નકલો છે. એપોલો 11 મિશનના પ્રખ્યાત અવકાશયાત્રી બઝ એલ્ડ્રિને શુક્રવારે પ્રકાશિત થયેલા 1969 ના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે ચંદ્રની મુસાફરી દરમિયાન કેટલીક અકલ્પનીય ઘટનાઓ જોઈ હતી.
તેમણે કહ્યું, “મેં પ્રકાશનો એક અત્યંત તેજસ્વી સ્ત્રોત જોયો જેમને અમે કામચલાઉ રીતે સંભવિત લેઝર તરીકે ગણાવ્યો હતો. ઘણા લોકોએ પૃથ્વી પર પણ પોતે રહસ્યમય વસ્તુઓ જોઇ હોવાના દાવા કર્યા હતા તેમના નિવેદનો પણ ફાઇલોમાં સાચવવામાં આવ્યા છે. એક ફાઇલ દર્શાવે છે કે 1957માં FBI સાથેના ઇન્ટરવ્યુમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે જમીન પરથી એક મોટું, ગોળાકાર વાહન ઉપર તરફ જતું જોયું હતું. આ ઉપરાંત, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2023ના એવા ઇન્ટરવ્યુ પણ છે જેમાં યુએસ નાગરિકો તેજસ્વી પ્રકાશમાંથી બહાર આવતી હવામાં તરતી ધાતુની વસ્તુઓ વિશે માહિતી આપે છે.
આ ફાઇલોમાં મધ્ય પૂર્વમાં યુએસ સૈન્ય દ્વારા લેવામાં આવેલી વિડિયો ક્લિપ્સનો પણ સમાવેશ થાય છે, જે 2022 ના સમયની છે. ઇરાક, સીરિયા અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના ફૂટેજ એવી વસ્તુઓ દર્શાવે છે જેને પેન્ટાગોનની વેબસાઇટ “અનરિઝોલ્વ્ડ અનઆઇડેન્ટિફાઇડ એનોમલસ ફિનોમેના” (વણઉકેલાયેલી અજાણી વિચિત્ર ઘટના) તરીકે ઓળખાવે છે. જો કે અત્યાર સુધી કોઇ આવી અજાણી વસ્તુ કે જીવના ઠોસ પુરાવા પકડી શકાયા નથી. બની શકે કે કેટલીક બાબતો કાયમ રહસ્ય જ રહેવા માટે સર્જાઇ હોઇ શકે છે.