વૈશ્વિક હવામાન પરિવર્તન વચ્ચે હવે વૈજ્ઞાનિકોએ વધુ એક ગંભીર ચેતવણી આપી છે. વર્ષ 2026માં પૃથ્વી પર ‘સુપર અલ નીનો’ અથવા ‘મોન્સ્ટર અલ નીનો’ ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતો માને છે કે જો આ ઘટના સર્જાશે તો તે છેલ્લા 150 વર્ષમાં સૌથી વધુ શક્તિશાળી અને વિનાશક અલ નીનો સાબિત થઈ શકે છે. હવામાન એજન્સીઓ અને વૈજ્ઞાનિકો મુજબ જૂન 2026 સુધીમાં આ સુપર અલ નીનો સક્રિય થવાની સંભાવના 70 ટકાથી વધુ છે. જો આવું થાય તો સમગ્ર વિશ્વમાં ગરમી, દુષ્કાળ, પૂર અને ખાદ્ય સંકટ જેવી ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.
નિષ્ણાતો આ સ્થિતિની તુલના વર્ષ 1877-78ના ભયાનક અલ નીનો સાથે કરી રહ્યા છે. તે સમય દરમિયાન ભારત, ચીન, બ્રાઝિલ અને ઇજિપ્ત જેવા દેશોમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. લાખો લોકો ભૂખમરો અને રોગચાળાના કારણે મૃત્યુ પામ્યા હતા. હવે ફરી એકવાર એવી જ પરિસ્થિતિ સર્જાવાની આશંકાએ વૈજ્ઞાનિકો અને સરકારોની ચિંતા વધારી દીધી છે. વૈજ્ઞાનિક ડેવિડ વાલેસ-વેલ્સના અહેવાલ અનુસાર, આ સંકટની અસર દરેક દેશ પર અલગ રીતે પડશે. કેટલાક વિકસિત દેશોએ પહેલેથી જ ફૂડ સિક્યોરિટી અને ઊર્જા ક્ષેત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, ભારત જેવા વિકાસશીલ દેશો માટે આ સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. ભારતમાં ખાસ કરીને ખેતી પર તેની સીધી અસર થવાની શક્યતા છે. હીટવેવ અને વરસાદની અનિયમિતતા કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેના કારણે ખાદ્ય પદાર્થોની કિંમતો વધી શકે છે અને મોંઘવારીમાં વધારો થઈ શકે છે. ગરીબ અને ખેડૂત વર્ગ પર તેનો સૌથી વધુ પ્રભાવ પડશે.
અલ નીનો શું છે તે સમજવું પણ જરૂરી છે. અલ નીનો એ એક હવામાન સંબંધિત ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધુ વધી જાય છે. જ્યારે આ ગરમી ખૂબ જ વધારે સ્તરે પહોંચી જાય, ત્યારે તેને ‘સુપર’ અથવા ‘મોન્સ્ટર’ અલ નીનો કહેવામાં આવે છે. આ પરિસ્થિતિ સમગ્ર પૃથ્વીના હવામાન ચક્રને અસર કરે છે. વરસાદની પેટર્ન બદલાઈ જાય છે, ક્યાંક અતિવૃષ્ટિ થાય છે તો ક્યાંક લાંબો દુષ્કાળ સર્જાય છે. સાથે જ વૈશ્વિક તાપમાનમાં પણ ભારે વધારો થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની અસર સાથે મળીને 2026ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનાવી શકે છે. ઘણા દેશોમાં કાળઝાળ ગરમી અને હીટવેવનો સામનો કરવો પડી શકે છે.
દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના અનેક વિસ્તારોમાં પાણીની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. માત્ર જમીન પર જ નહીં, પરંતુ સમુદ્રી જીવન પર પણ તેનો ગંભીર પ્રભાવ પડશે. સમુદ્રનું પાણી વધુ ગરમ થતાં માછલીઓ અને અન્ય દરિયાઈ જીવોના અસ્તિત્વ પર ખતરો ઊભો થઈ શકે છે. સમુદ્રી ઇકોસિસ્ટમમાં મોટો બદલાવ આવવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NOAA સહિતની આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાઓએ ‘અલ નીનો વોચ’ જાહેર કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2026માં જે જોવા મળશે તે ભવિષ્યમાં આવનારી વધુ ગંભીર હવામાન આફતોનું માત્ર એક ટ્રેલર હોઈ શકે છે. તેથી હવે વિશ્વભરના દેશો માટે જળ સંચય, ખાદ્ય સુરક્ષા અને હવામાન પરિવર્તન સામે લડવા માટે મજબૂત આયોજન કરવું અનિવાર્ય બની ગયું છે.