સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો કાકરાપાર ડેમ, જ્યાં લોકો ઠંડક અને મોજ-મસ્તી માટે પહોંચે છે, ત્યાં એક એવી કરુણ ઘટના બની કે આખું પંથક શોકમાં ગરકાવ થઈ ગયું. ચાર યુવાન મિત્રો માટે આનંદની પળો પળવારમાં જ મોતની ચીસોમાં ફેરવાઈ ગઈ. એક મિત્રને બચાવવા ગયેલા અન્ય ત્રણેય મિત્રો પણ પાણીના ભયાનક પ્રવાહમાં સપડાઈ ગયા અને ચારેયના દુઃખદ મોત નિપજ્યાં.
માહિતી મુજબ, 11 મેની સાંજે ચાર મિત્રો કાકરાપાર ડેમની નહેરમાં નહાવા માટે પહોંચ્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ અચાનક એક યુવક ઊંડા પાણીમાં જઈ ડૂબવા લાગ્યો. મિત્રને મોત સામે ઝઝૂમતો જોઈને બાકીના ત્રણ મિત્રો તેને બચાવવા માટે તરત જ પાણીમાં કૂદી પડ્યા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ અને ઊંડાઈ એટલી ભયાનક હતી કે બચાવવાની કોશિશ કરતા ચારેય મિત્રો પોતે જ પાણીમાં ગરકાવ થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક માંડવી પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. થોડા જ સમયમાં ફાયર વિભાગના તરવૈયાઓ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો. મોડી સાંજ સુધી સતત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું, પરંતુ અંધારું અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ ચારેય યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. એક જ સાથે ચાર યુવાનોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
માંડવી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકો સ્થાનિક વિસ્તારના જ રહેવાસી હતા અને રજા માણવા માટે ડેમ પર પહોંચ્યા હતા. પરંતુ એક નાની બેદરકારી તેમના માટે જીવલેણ સાબિત થઈ.આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે લોકો જોખમી જળાશયો અને ઊંડા પાણીમાં નહાવાની ભૂલ કેમ કરે છે? વહીવટી તંત્ર દ્વારા વારંવાર ચેતવણીઓ આપવામાં આવતી હોવા છતાં લોકો જરા પણ સાવચેતી રાખતા નથી. કાકરાપાર ડેમની આ ઘટના એ વાતનું જીવંત ઉદાહરણ છે કે પાણી સાથેની એક ક્ષણની બેદરકારી આખા પરિવારનું જીવન બરબાદ કરી શકે છે.