25થી વધુ પરિવારો અંગે ગ્રામજનોએ કલેક્ટર અને પોલીસ વડાને કરી રજૂઆત
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં હળપતિ અને આદિવાસી સમાજના પરિવારોના ધર્માંતરણના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. સમગ્ર મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજૂઆતમાં એક વ્યક્તિ પર લોભ-લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો, અંધશ્રદ્ધા ફેલાવવાનો તેમજ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ડુંગરા નવી કોલોની હળપતિ વાસ ખાતે રહેતા જગુભાઈ સોમાભાઈ રાઠોડ દ્વારા જિલ્લા તંત્ર સમક્ષ આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી નયનભાઈ રાવજીભાઈ ઓડ નામનો વ્યક્તિ ગામમાં રહી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ હળપતિ અને આદિવાસી સમાજના લોકોને બીમારીઓ સાજી કરવાની વાતો, ચમત્કાર અને અન્ય લોભામણી વાતો દ્વારા પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલુજ નહી રજૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 25થી વધુ પરિવારોને મૂળ ધર્મ છોડાવી ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા પ્રેરિત કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાને કારણે ગામના સામાજિક અને ધાર્મિક માહોલ પર અસર પડી રહી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. હળપતિ અને આદિવાસી સમાજની પરંપરાગત પૂજા પદ્ધતિ, લગ્નવિધિ, મરણવિધિ અને સંસ્કૃતિમાં ફેરફાર લાવવાના પ્રયાસોથી સમાજમાં વિભાજનની સ્થિતિ ઉભી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.માત્ર ધર્માંતરણ જ નહીં પરંતુ જમીન મુદ્દે પણ ગ્રામજનોએ ગંભીર ફરિયાદ નોંધાવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે જીણાભાઈ ભાણાભાઈ ઉર્ફે કિકાભાઈ રાઠોડની 73AA હેઠળ આવતી જમીન તેમજ સરકાર દ્વારા આદિવાસી હળપતિ સમાજને રહેણાંક માટે ફાળવવામાં આવેલી જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રામજનોએ જિલ્લા પ્રશાસન પાસે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ગેરકાયદેસર કબજો દૂર કરી મૂળ હકદારોને જમીન પરત અપાવવામાં આવે તેમજ ગુજરાત સરકારના ધર્માંતરણ વિરોધી કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે. સાથે જ હાલ આ રજૂઆત બાદ જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હવે તંત્ર શું પગલાં ભરે છે તેના પર ગામલોકોની નજર ટકેલી છે.