ગટરલાઇનના કામ વચ્ચે પાંચ દિવસથી પાણી બંધ, ગામલોકો કૂવાઓ પર નિર્ભર
ટેન્કરની પણ વ્યવસ્થા નહીં થતાં ગ્રામજનોમાં રોષ, તંત્રની કામગીરી સામે સવાલ
કરજણ. : કરજણ તાલુકાના સાદરણા ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ગામલોકો હાલ પાણી માટે વલખાં મારતા જોવા મળી રહ્યા છે. આધુનિક યુગમાં પણ ગ્રામજનોને ખેતરોના કૂવાઓ પરથી પાણી ભરવાની ફરજ પડતા સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
મીડિયા દ્વારા ગ્રામજનો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી ગામમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ છે. ગામમાં ચાલી રહેલા ગટરલાઇનના કામ દરમિયાન ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાઈ ન જાય અને કામમાં અડચણ ન પડે તે માટે પાણી બંધ રાખવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
જો કે, સ્થાનિકોના મતે કામ માટે પાણી બંધ કરવું જરૂરી હોય તો પણ ગામલોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી તંત્રની પ્રાથમિક જવાબદારી બને છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણીના ટેન્કરની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગામલોકોએ જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી મેળવવા માટે તેમને ખેતરોમાં આવેલા કૂવાઓ સુધી જવું પડે છે. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ મામલે સરપંચના પતિએ મીડિયા સમક્ષ ગટરલાઇનના કામને કારણે પાણી પુરવઠો બંધ રાખવાની મજબૂરી દર્શાવી હતી. જોકે મીડિયાના હસ્તક્ષેપ બાદ આજે સાંજ સુધીમાં ગામમાં પાણી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.
સાદરણા ગામની આ સ્થિતિએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની જવાબદારી અને આયોજન ક્ષમતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. હવે ગ્રામજનોને સમયસર પાણી મળે છે કે નહીં તેના પર સૌની નજર છે.
રિપોર્ટર : મુકેશ અઠોરા