ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ગંભીર સંઘર્ષ વચ્ચે હવે પાકિસ્તાનની ભૂમિકાને લઈને નવા સવાલો ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અને અમેરિકી અધિકારીઓના હવાલાથી એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને તેના નૂર ખાન એરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને આશરો આપ્યો હતો. આ ઘટનાએ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચા શરૂ કરી છે. અહેવાલો મુજબ, એક તરફ પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ તેણે ગુપ્ત રીતે તેહરાનને સૈન્ય સહાય પૂરી પાડી હતી. ખાસ કરીને રાવલપિંડી પાસે આવેલા પાકિસ્તાન એરફોર્સના નૂર ખાન એરબેઝનો ઉપયોગ ઈરાની વિમાનો માટે કરવામાં આવ્યો હોવાનો દાવો સૌથી વધુ ચર્ચામાં છે.
CBS ન્યૂઝના અહેવાલ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલની શરૂઆતમાં યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ ઈરાને તેના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય વિમાનો પાકિસ્તાનમાં ખસેડ્યા હતા. આ વિમાનોમાં ઈરાની વાયુસેનાનું RC-130 રિકોનિસન્સ એરક્રાફ્ટ પણ સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનનો મુખ્ય હેતુ પોતાના બાકી રહેલા સૈન્ય વિમાનોને અમેરિકાના સંભવિત હુમલાથી સુરક્ષિત રાખવાનો હતો. અમેરિકી હુમલાના ભય વચ્ચે પાકિસ્તાનના એરબેઝનો ઉપયોગ ઈરાન માટે સુરક્ષિત વિકલ્પ તરીકે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકામાં રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ બની ગઈ છે. અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દે કડક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો આ અહેવાલ સાચો સાબિત થાય તો પાકિસ્તાનની મધ્યસ્થી તરીકેની ભૂમિકાનું સંપૂર્ણ પુનઃમૂલ્યાંકન કરવું પડશે. ગ્રેહામે પાકિસ્તાનના ઈઝરાયલ પ્રત્યેના વલણને ધ્યાનમાં રાખીને આ ઘટનાની શક્યતા નકારી શકાય નહીં તેવી પણ ટિપ્પણી કરી હતી. તેમના નિવેદન બાદ અમેરિકન રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા વધી ગઈ છે.
માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ અહેવાલો મુજબ ઈરાને તેના કેટલાક નાગરિક વિમાનો અફઘાનિસ્તાનમાં પણ ખસેડ્યા હતા. કાબુલ અને હેરાત એરપોર્ટ પર ઈરાની એરલાઈન ‘મહાન એર’ના વિમાનો જોવામાં આવ્યા હોવાનો દાવો થયો હતો. જોકે, તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે ઈરાનને પોતાના વિમાનો અફઘાનિસ્તાનમાં ખસેડવાની કોઈ જરૂર નહોતી. આ સમગ્ર ઘટનાએ પાકિસ્તાન માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરી છે. એક તરફ તે અમેરિકા સાથેના સંબંધો જાળવી રાખવા માંગે છે, જ્યારે બીજી તરફ ઈરાન અને ચીનને પણ નારાજ કરી શકે તેમ નથી. ખાસ કરીને ચીન પાકિસ્તાનનો સૌથી મોટો રક્ષા ભાગીદાર છે. અહેવાલો મુજબ 2020થી 2024 દરમિયાન પાકિસ્તાનની લગભગ 80 ટકા હથિયાર આયાત ચીનમાંથી થઈ હતી.
ચીને અગાઉ પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકાની પ્રશંસા કરી હતી, પરંતુ હવે આ નવા ખુલાસાઓ બાદ ઈસ્લામાબાદની રાજદ્વારી મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકા તરફથી પણ પાકિસ્તાન પર વધુ દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન યુદ્ધવિરામ છતાં મિડલ ઇસ્ટમાં તણાવ યથાવત છે. ઈરાને અમેરિકા પાસે યુદ્ધનું વળતર અને પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે, જેને ટ્રમ્પે સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી છે. રવિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ જોવા મળ્યો હતો. યુએઈએ ઈરાન પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ગયા અઠવાડિયે ઈરાને અમેરિકી નૌકાદળના ત્રણ જહાજો પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં અમેરિકાએ ઈરાનના બે બંદરો પર એરસ્ટ્રાઈક કરી હતી. નિષ્ણાતો માને છે કે જો આ તણાવ વધુ વધશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી નહીં રહે, પરંતુ વૈશ્વિક રાજકારણ, તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ જોવા મળશે.