Gujarat

ગુજરાતના પોલીસ વડાની કડક ચેતવણી: હવે પોલીસે આરોપીઓની ટાંટીયાતોડ સર્વિસ બંધ કરવી પડશે

ગાંધીનગર,તા.13

ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓના માનવ અધિકારોના રક્ષણ અને પોલીસની કામગીરીને વધુ કાયદાકીય તથા સંવેદનશીલ બનાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, હવે આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવા, દોરડાથી બાંધવા અથવા તેમની સાથે અમાનવીય વર્તન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ ના વિવિધ ચુકાદાઓ અને ખાસ કરીને ડી.કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ કેસ ના નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કેટલીક ઘટનાઓમાં આરોપીઓને જાહેરમાં પરેડ કરાવવાના બનાવોને કારણે પોલીસ વિભાગની છબી ખરડાઈ હોવાનું પણ પરિપત્રમાં ઉલ્લેખાયું છે.

BNSS-2023 હેઠળ નવી માર્ગદર્શિકા

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 ની જોગવાઈઓ અનુસાર પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

ગંભીર ગુનાઓ જેમ કે આતંકવાદ, ડ્રગ્સ, હત્યા, બળાત્કાર અથવા એસિડ એટેક જેવા કેસોમાં જ હાથકડીનો ઉપયોગ કરી શકાશે. અન્ય કિસ્સાઓમાં મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
આરોપી પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવો, મારકૂટ કરવી અથવા માફી મંગાવવી જેવી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી છે.
ધરપકડ સમયે પોલીસ અધિકારીએ પોતાનું નામ અને હોદ્દો જણાવવો ફરજિયાત રહેશે.
આરોપીને તેના પરિવારજનો અથવા મિત્રોને જાણ કરવાનો તેમજ પૂછપરછ દરમિયાન પોતાની પસંદગીના વકીલને મળવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે

પરિપત્રમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ પોલીસ અધિકારી અથવા કર્મચારી આરોપીના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા જણાશે, તો તેમના સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સંબંધિત DySP, SP અથવા પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ આરોપીના આત્મસન્માનનું રક્ષણ કરવાનું અને પોલીસ તપાસને સંપૂર્ણપણે કાયદાકીય મર્યાદામાં રાખવા માટે હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top