ખેડૂતો તરત સુધારી લો આ 5 મોટી ભૂલો, નહીં તો અટકી શકે ₹2000ની સહાય
દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM-Kisan યોજના મોટી આર્થિક મદદરૂપ બની રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને ₹6000ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. હવે ખેડૂતોને યોજનાની 23મી કિસ્તની રાહ છે, પરંતુ તે પહેલાં સરકારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન દોર્યું છે. જો ખેડૂતોએ સમયસર આ ભૂલો સુધારી નહીં તો તેમની ₹2000ની આગામી કિસ્ત અટકી શકે છે.
કેન્દ્ર સરકાર અને કૃષિ વિભાગ તરફથી વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે કે ઘણા ખેડૂતોની અરજીમાં ટેક્નિકલ ભૂલો, અધૂરી માહિતી અને e-KYC સંબંધિત સમસ્યાઓ હોવાને કારણે કિસ્ત અટકવાની શક્યતા છે. તેથી ખેડૂતો માટે સમયસર પોતાની વિગતો ચકાસવી અને જરૂરી સુધારાઓ કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
- e-KYC પૂર્ણ ન હોવું સૌથી મોટી સમસ્યા
PM કિસાન યોજનામાં e-KYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમણે e-KYC પૂર્ણ કર્યું નથી. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે e-KYC વગર કોઈપણ ખેડૂતને આગામી કિસ્ત આપવામાં આવશે નહીં.
ખેડૂતો PM-Kisanની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના CSC સેન્ટર પર જઈ e-KYC પૂર્ણ કરી શકે છે. OTP આધારિત તેમજ બાયોમેટ્રિક બંને પ્રકારની પ્રક્રિયા ઉપલબ્ધ છે.
૨..આધાર કાર્ડ અને બેંક ખાતાની માહિતીમાં ગડબડ
ઘણા ખેડૂતોના આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતોમાં નામની સ્પેલિંગ અથવા અન્ય માહિતીમાં તફાવત જોવા મળે છે. આવા કિસ્સામાં DBT (Direct Benefit Transfer) દ્વારા રકમ ટ્રાન્સફર થવામાં મુશ્કેલી પડે છે. જો ખેડૂતના બેંક ખાતામાં નામ “રમેશભાઈ પટેલ” છે અને આધાર કાર્ડમાં “રમેશ પટેલ” હોય તો પણ સમસ્યા સર્જાઈ શકે છે. તેથી તમામ દસ્તાવેજોમાં એકસરખી માહિતી હોવી જરૂરી છે.
૩.. બેંક ખાતું NPCI સાથે લિંક ન હોવું
ઘણા ખેડૂતોનું બેંક ખાતું NPCI (National Payments Corporation of India) સાથે લિંક ન હોવાથી પણ કિસ્ત અટકી જાય છે. DBT દ્વારા સહાય મેળવવા માટે બેંક ખાતું આધાર સાથે સીડ અને NPCI મેપ હોવું જરૂરી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પોતાના બેંકમાં જઈ ખાતું આધાર અને NPCI સાથે યોગ્ય રીતે જોડાયેલ છે કે નહીં તેની ચકાસણી કરી લે.
૪.. જમીનના રેકોર્ડમાં ભૂલો
PM કિસાન યોજનાનો લાભ માત્ર યોગ્ય જમીનધારક ખેડૂતોને જ મળે છે. ઘણા રાજ્યોમાં જમીનના રેકોર્ડમાં ભૂલો, જૂની એન્ટ્રીઓ અથવા માલિકીના વિવાદને કારણે ખેડૂતોની કિસ્ત અટકાવવામાં આવી છે.જો જમીનનો રેકોર્ડ અપડેટ ન હોય અથવા અરજીમાં દર્શાવેલી માહિતી સાથે મેળ ન ખાતો હોય તો સરકાર અરજી રદ પણ કરી શકે છે. તેથી ખેડૂતોને સ્થાનિક તલાટી અથવા રેવન્યુ વિભાગમાં જઈ જમીનનો રેકોર્ડ ચકાસવાની સલાહ આપવામાં આવી છે.
૫..ખોટી અથવા ડુપ્લિકેટ એન્ટ્રી
સરકારે છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટી સંખ્યામાં નકલી લાભાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. એક જ વ્યક્તિ દ્વારા એકથી વધુ અરજી કરવી અથવા ખોટી માહિતી આપવી ગંભીર ગેરરીતિ માનવામાં આવે છે.તપાસ દરમિયાન જો કોઈ ખેડૂતની માહિતી શંકાસ્પદ જણાશે તો તેની કિસ્ત અટકાવી શકાય છે અને અગાઉ મળેલી સહાય પણ પરત માંગવામાં આવી શકે છે.
૬.. ક્યારે આવશે 23મી કિસ્ત?
કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી 23મી કિસ્તની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલો મુજબ આગામી થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ₹2000ની રકમ ટ્રાન્સફર થઈ શકે છે. અગાઉની કિસ્તો મુજબ સરકાર સીધા DBT મારફતે ખેડૂતોના બેંક ખાતામાં રકમ જમા કરશે.
૭.. કેવી રીતે ચકાસશો તમારું નામ?
ખેડૂતો PM-Kisanની સત્તાવાર વેબસાઇટ પર જઈ “Beneficiary Status” વિકલ્પ દ્વારા પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. તેમાં આધાર નંબર, મોબાઇલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને માહિતી મેળવી શકાય છે.જો અરજીમાં કોઈ ભૂલ દેખાય તો ખેડૂત નજીકના CSC સેન્ટર, કૃષિ કચેરી અથવા PM-Kisan હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.
૮.. સરકારનો ખાસ સંદેશ
કૃષિ વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે અંતિમ ક્ષણ સુધી રાહ ન જુએ અને સમયસર તમામ દસ્તાવેજો તથા વિગતો અપડેટ કરી લે. કારણ કે એક નાની ભૂલના કારણે પણ ₹2000ની કિસ્ત અટકી શકે છે. PM કિસાન યોજના દેશના નાના અને મધ્યમ ખેડૂતો માટે મોટી મદદરૂપ બની રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ તમામ નિયમોનું પાલન કરે અને સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પર ધ્યાન આપે, જેથી આગામી કિસ્ત સમયસર તેમના ખાતામાં જમા થઈ શકે.