ગામજનો અને ભાજપ કાર્યકરોમાં શોકની લાગણી વ્યાપી
કાલોલ, તા. 12/05/26
પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ અને કાલોલ તાલુકાના વેજલપુર ગામના વતની અશ્વિનભાઈ પટેલના નિધનથી જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાંબા સમયથી માંદગીના કારણે તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
અશ્વિનભાઈ પટેલ ભાજપ સંગઠનમાં “અશ્વિન કાકા” તરીકે જાણીતા અને લોકપ્રિય નેતા હતા. તેમના નિધનની ખબર મળતા ગામજનો, ભાજપના કાર્યકરો તેમજ રાજકીય આગેવાનોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી.
પંચમહાલ જિલ્લાના સાંસદ, કાલોલના ધારાસભ્ય સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં પોસ્ટ મૂકી કાર્યકરો અને ગામજનોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અશ્વિનભાઈ પટેલે ભાજપ સંગઠનને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના સરળ સ્વભાવ અને કાર્યશૈલીને કારણે તેઓ સામાન્ય કાર્યકરોથી લઈને આગેવાનો સુધી સૌમાં લોકપ્રિય રહ્યા હતા.
ગામજનો અને ભાજપ કાર્યકરોનું કહેવું છે કે “અશ્વિન કાકા” જેવા લોકપ્રિય અને સેવાભાવી નેતાની ખોટ હંમેશા અનુભવાશે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સર્વત્ર પ્રાર્થના કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા