મધરાતે તસ્કરોએ તિજોરી તોડી 75 ગ્રામથી વધુના સોનાના દાગીના ઉસેડી ગયા
બોરસદ:
બોરસદ તાલુકાના બદલપુર (નારાયણપુરા) વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તસ્કરોએ મકાનનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલ કિંમતી ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
બોરસદ તાલુકાના બદલપુરના નારાયણપુરામાં રહેતા અને નોકરી કરતા સતીષભાઈ રામસિંહ પરમારના મકાનમાં તારીખ 12મી મેના રોજ મોડી રાત્રે 1-00થી વહેલી સવારના 5-00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ મકાનના પાછળના ભાગે આવેલા ત્રીજા ખંડનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં રહેલી તિજોરીમાંથી તસ્કરોએ સોનાના વિવિધ દાગીનાની ચોરી કરી હતી.
આ ચોરીમાં તસ્કરો સોનાનો હાર (સેટ) આશરે 40 ગ્રામ (કિંમત રૂ. 2 લાખ), બે નંગ સોનાની કાનની વેર, 5 ગ્રામ (કિંમત રૂ. 25 હજાર), સોનાનું મંગળસૂત્ર 15 ગ્રામ (કિંમત રૂ. 75 હજાર), સોનાનું લોકેટ 05 ગ્રામ (કિંમત રૂ. 25 હજાર) અને 10 ગ્રામ સોનાનો ટીક્કો (કિંમત રૂ. 50 હજાર) મળી કુલ મળીને રૂ. 3.75 લાખના સોનાના દાગીના અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 3.89 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે સતીષભાઈ પરમારે બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. રામી ચલાવી રહ્યા છે.