નડીયાદ-ડાકોર રોડ પર દ્વારકેશ હોસ્પિટલ સામે સર્જાયો અકસ્માત
ઉમરેઠ:
ઉમરેઠમાં નડીયાદ-ડાકોર રોડ પર આવેલી દ્વારકેશ હોસ્પિટલ સામે ગત તારીખ 11મી મેના રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મોટરસાયકલ ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ડિવાઈડર સાથે ભટકાતા તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ મામલે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ નેપાળના વતની અને હાલ નડીયાદની પીપલગ ચોકડી પાસે આવેલી હોસ્પિટાલિટી ક્ષેત્રની એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતા નિરકબહાદુર હીરાસિંહ બિસ્ટના ભાઈ ગણેશબહાદુર હીરાસિંહ બિસ્ટ પોતાની મોટરસાયકલ (નંબર GJ-06-QD-1183) લઈને ઉમરેઠ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. 11મી મેના રોજ બપોરે આશરે 2-30 વાગ્યાના સુમારે, જ્યારે તેઓ ઉમરેઠમાં દ્વારકેશ હોસ્પિટલ સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો. બાઈક પૂરઝડપે હોવાને કારણે તે રોડ પરના ડિવાઈડર સાથે જોરભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ગણેશબહાદુર રોડ પર પટકાતા તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે મૃતકના ભાઈ નિરકબહાદુર બિસ્ટની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. યશવંતસિંહ દેવીસિંહને સોંપવામાં આવી છે.