Vadodara

વડોદરામાં NEET કૌભાંડનો વિરોધ, ‘સ્વયં સૈનિક દળ’ મેદાને

નવી કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ), વડોદરા. તા.12

વડોદરા :- NEET પરીક્ષાના મહાગોટાળા અને પેપર લીક મુદ્દે હવે વડોદરામાં પણ વિરોધના સૂર તેજ બન્યા છે. વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે આજે ‘સ્વયં સૈનિક દળ’ દ્વારા દેશના લાખો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દેશભરના લાખો હોંશિયાર વિદ્યાર્થીઓ, ખાસ કરીને શોષિત, વંચિત અને મૂળનિવાસી SC, ST, OBC તેમજ અલ્પસંખ્યક સમાજના બાળકો પોતાના જીવનના કિંમતી વર્ષો દિવસ-રાત એક કરીને આ પરીક્ષા પાછળ લગાવે છે. ગરીબ અને મધ્યમવર્ગીય માતા-પિતા પોતાની લોહી-પસીનાની કમાણી દાવ પર લગાવીને સંતાનોને ભણાવે છે. પરંતુ આ વર્ષે પરીક્ષાના આયોજનથી લઈને પરિણામ સુધી જે રીતે ગંભીર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે આવી છે, તેણે દેશના કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સંપૂર્ણપણે તોડી નાખ્યો છે.

પરીક્ષામાં થયેલી આ ગેરરીતિઓને પગલે સ્વયં સૈનિક દળએ માંગ કરી છે કે, દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર કૌભાંડીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને મહેનતુ વિદ્યાર્થીઓને તેમનો હક મળી રહે.

આ સાથે જ પરીક્ષાની ગરિમા અને પારદર્શિતા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય અને ન્યાયી પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top