સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બુધવારે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક પેટ્રોલ પંપ પર નો-સ્ટોકના પાટિયા દેખાયા હતા. પેટ્રોલ પંપ બંધ હોવાની જાણકારી મળતા જ લોકો પેટ્રોલ પુરાવા માટે દોડતા થયા હતા. સુરતમાં અનેક જગ્યાએ બપોરે પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા હતા. ખાસ કરીને ડિઝલનો જથ્થો ખૂટી જવાની ફરિયાદ ઉઠી હતી.
વલસાડ, પારડી, દમણ, ધરમપુર, ઘેજમાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓઇલ અને સોનાને લગતા નિવેદનો બાદ પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ પકડે એવી સંભાવના દેખાઇ રહી છે. તેમના નિવેદન બાદ બીજા જ દિવસથી પેટ્રોલ સપ્લાયની ચેન ખોરવાઇ છે. જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલનો જથ્થો ખૂટી ગયો હતો. જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ કામ ચલાવ બંધ થઇ ગયા હતાં. જેને લઇ અન્ય પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.
વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, અને ધરમપુરમાં કેટલાય પેટ્રોલ પંપ પર બુધવારે પેટ્રોલ ડિઝલના ટેન્કરો આવ્યા ન હતાં. સામાન્ય રીતે પંપ સંચાલક દ્વારા એડવાન્સ પેમેન્ટ કરાય ત્યારે ટેન્કર અચૂક આવી જ જતા હોય છે, પરંતુ હાલ એડવાન્સ ચૂકવણી થવા છતાં પેટ્રોલ અને ડિઝલના ટેન્કરો આવવાના બંધ થયા હતાં. જેના કારણે પેટ્રોલ પંપની સપ્લાય ચેન ખોરવાઇ ગઇ હતી અને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલ પૂરું થઇ જતાં તેમણે તેના પર નો ફ્યુલના પાટિયા મારી દેવા પડ્યા હતાં. આ સમગ્ર પરિસ્થિતિના કારણે ભારે ઉહાપો થયો છે. ખાસ કરીને હાઇવેના અનેક પેટ્રોલ પંપ પર બંધના પાટિયા લાગતાં લોકોની ધીરજ ખુટવા લાગી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ ન સુધરે તો પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળશે. પારડીના પંપો પર વાહનોની ૨૦૦-૩૦૦ મીટર લાંબી કતારો જોવા મળી હતી. ધરમપુર પંથકમાં પેટ્રોલની અછત વર્તાતા નગરના વિવિધ પેટ્રોલ પંપ પર બપોર પછી બાઇકોની લાંબી કતારો જોવા મળી હતી.
ઉપરાંત ચીખલી તાલુકામાં ૫૦-ટકાથી વધુ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી છે. તાલુકાના મોટેભાગના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નથી ના બોર્ડ લાગ્યા છે. તો કેટલાક પેટ્રોલપંપ ઉપર સાદું ને બદલે પાવર પેટ્રોલ જ ઉપલબ્ધ રહેતા મોંઘવારીના માર વચ્ચે સામાન્ય લોકોનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે.
દમણમાં પેટ્રોલ ભરાવવા પંપ પર વાહનોનો ધસારો
દમણ : આજરોજ સવારથી જ દમણના વિવિધ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પ્રદેશના લોકો તથા દમણની સહેલગાહે આવતા પર્યટકો અને દમણ બોર્ડરથી જોડાયેલા ગામડાઓના લોકો પોતાના વાહનોમાં ટાંકી ફૂલ કરાવવા અર્થે પેટ્રોલ પંપ પર જોવા મળ્યા હતાં. જે પૈકી નાની દમણના સાગર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવવા વાહનોનો મોટો ધસારો જોવા મળ્યો હતો. જો કે, અમુક પેટ્રોલ પંપ પર સાદું પેટ્રોલ ખુટી જતાં અમુક વાહન ચાલકોએ વિલે મોંઢે પરત ફરી અન્ય પેટ્રોલ પંપ પર આંટા ફેરા મારવા પડ્યા હતા. પેટ્રોલ પંપના સંચાલક અને પાલિકાના કાઉન્સિલર અસ્પી દમણિયાએ જણાવ્યું કે, દમણમાં પેટ્રોલ ડિઝલનો જથ્થો પર્યાપ્ત છે. લોકોએ સોશ્યલ મીડિયા તથા અન્ય માધ્યમો થકી ફેલાતી અફવાઓ પર ધ્યાન આપવું નહીં. યુધ્ધના કારણે સપ્લાઈ ચેઈન થોડી ડીસ્ટર્બ થઈ છે. પરંતુ ભારત દેશમાં ઓઈલનો જથ્થો પર્યાપ્ત છે અને દમણમાં પણ પુરતા પ્રમાણમાં ઈંધણનો જથ્થો છે.
બારડોલીમાં અનેક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’નાં બોર્ડ
બારડોલી: બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત પ્રવર્તી રહી છે. બારડોલી શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનેક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’નાં બોર્ડ જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને સાંજ પડતાની સાથે જ મોટા ભાગના પંપો ખાલી થઈ જાય છે, જેના કારણે લોકોએ એક પંપથી બીજા પંપ સુધી ભટકવું પડે છે. પેટ્રોલની સરખામણીએ ડીઝલ મેળવવું વધુ પડકારજનક બન્યું છે. ખેતીકામ અને માલવાહક વાહનો માટે ડીઝલ અનિવાર્ય હોવાથી તેની અછતની સીધી અસર આર્થિક ગતિવિધિઓ પર પડી રહી છે. પુરવઠાના અભાવે વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં નિરાશ થઈ પરત ફરી રહ્યા છે.