National

ગંગાજળ વિવાદમાં નવો વળાંક, બાંગ્લાદેશે ભારત સાથે ચર્ચા વગર ડેમ પ્રોજેક્ટ મંજૂર કર્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીના પાણીના વહેંચણી મુદ્દે લાંબા સમયથી ચર્ચા અને મતભેદ ચાલી રહ્યા છે. હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બાંગ્લાદેશ સરકારે પદ્મા નદી પર એક મોટા ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભારતમાં આ નદીને ગંગા તરીકે ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશનું કહેવું છે કે આ પ્રોજેક્ટ તેમના દેશના હિત માટે જરૂરી છે અને આ મુદ્દે ભારત સાથે કોઈ ખાસ ચર્ચાની જરૂર નથી. બાંગ્લાદેશની રાષ્ટ્રીય આર્થિક પરિષદની કારોબારી સમિતિ (ECNEC) એ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપી છે. આ સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન તારિક રહેમાને કરી હતી. પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ 34,497 કરોડ બાંગ્લાદેશી ટકા છે અને તેનું સંપૂર્ણ ભંડોળ બાંગ્લાદેશ સરકાર જ આપશે. આ ડેમ પ્રોજેક્ટ 2033 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શાહિદુદ્દીન ચૌધરી અનીએ સ્પષ્ટ કહ્યું કે આ પ્રોજેક્ટ બાંગ્લાદેશનો આંતરિક મુદ્દો છે. તેમના જણાવ્યા પ્રમાણે, પોતાના દેશના પાણી સંચાલન અને કૃષિ હિત માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે એ પણ જણાવ્યું કે ગંગા નદીના પાણી અંગે ભારત સાથે સામાન્ય સ્તરે વાતચીત ચાલુ રહેશે.બાંગ્લાદેશ લાંબા સમયથી ફરક્કા બેરેજને લઈને ચિંતા વ્યક્ત કરતું આવ્યું છે. ભારતે પશ્ચિમ બંગાળમાં 1975માં ફરક્કા બેરેજ બનાવ્યું હતું.

બાંગ્લાદેશનો આરોપ છે કે આ બેરેજના કારણે સૂકી ઋતુ દરમિયાન તેમના દેશમાં પાણીનો પ્રવાહ ઘટી જાય છે. પાણીની અછતને કારણે કૃષિ, માછીમારી અને સામાન્ય જનજીવન પર નકારાત્મક અસર પડે છે. ખાસ કરીને બાંગ્લાદેશના દક્ષિણ વિસ્તારોમાં પાણીની અછતને કારણે દરિયાનું ખારું પાણી નદીઓમાં પ્રવેશવા લાગ્યું છે. તેના કારણે ખેતીલાયક જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાંગ્લાદેશ માને છે કે નવો ડેમ પ્રોજેક્ટ તેમને પાણીનો સંગ્રહ કરવામાં મદદ કરશે અને ભવિષ્યમાં પાણીની સમસ્યા સામે રાહત આપશે.આ પ્રોજેક્ટનો લાભ રાજશાહી, ઢાકા અને બરીસાલ જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેમ દ્વારા પાણીનું સંચાલન વધુ સારી રીતે કરી શકાશે અને કૃષિ તેમ જ પીવાના પાણીની ઉપલબ્ધતા સુધરશે.આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1996માં થયેલી ગંગાજળ વહેંચણી સંધિ આ વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થવાની છે.

આ સંધિ મુજબ બંને દેશો ગંગાના પાણીનું વહેંચણ કરતા આવ્યા છે. હવે સંધિ પૂર્ણ થવાના સમયમાં બાંગ્લાદેશના આ નિર્ણયને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.નિષ્ણાતો માને છે કે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના જળ સંબંધો પર અસર કરી શકે છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી બની શકે છે. કારણ કે ગંગા નદી બંને દેશો માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને તેના પાણી પર કરોડો લોકોનું જીવન નિર્ભર છે. હાલ માટે બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું છે કે આ પ્રોજેક્ટ તેમના રાષ્ટ્રીય હિત માટે છે અને તેઓ તેને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. હવે ભારત આ મુદ્દે કેવી પ્રતિક્રિયા આપે છે, તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top