મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ હવે મુંબઈના બેટિંગ કોચ કીરોન પોલાર્ડ વિવાદમાં ફસાયા છે. મેચ દરમિયાન ફોર્થ અમ્પાયર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલાર્ડને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના મેચની બીજી ઇનિંગ દરમિયાન બની હતી. મુંબઈ ઈન્ડિયન્સ 201 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી ત્યારે 19મી ઓવરમાં મેદાન પર કોઈ બાબતે ચર્ચા સર્જાઈ હતી. આ દરમિયાન કીરોન પોલાર્ડ અને ફોર્થ અમ્પાયર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હોવાનું સામે આવ્યું છે. ચર્ચા દરમિયાન પોલાર્ડે અમ્પાયર માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેને IPLની આચાર સંહિતાનો ભંગ માનવામાં આવ્યો છે.
આ મામલે IPL કમિટીએ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. લીગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પોલાર્ડે આચાર સંહિતાના લેવલ-1 હેઠળ આવતાં અનુચ્છેદ 2.3નું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ મેચ દરમિયાન અભદ્ર અથવા અપશબ્દ ભાષાના ઉપયોગ સાથે સંબંધિત છે. સજા તરીકે કીરોન પોલાર્ડની મેચ ફીમાંથી 15 ટકા દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. મેચ રેફરી પંકજ ધરમાણીએ પોલાર્ડને આ સજા સંભળાવી હતી. મહત્વની વાત એ છે કે પોલાર્ડે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને IPL દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે. નિયમો અનુસાર લેવલ-1ના ઉલ્લંઘનમાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને માન્ય ગણાય છે. પોલાર્ડે નિર્ણય સ્વીકારી લેતાં હવે આ મામલે વધુ કોઈ સુનાવણી હાથ ધરાશે નહીં.
કીરોન પોલાર્ડ અગાઉ પણ અનેક વખત મેદાન પર તેમના આક્રમક સ્વભાવને કારણે ચર્ચામાં રહ્યા છે. IPLમાં ખેલાડી તરીકે રમતા સમય દરમિયાન પણ તેઓ અમ્પાયર અથવા વિરોધી ખેલાડીઓ સાથેની તીખી પ્રતિક્રિયાઓને લઈને હેડલાઇન્સમાં રહ્યા હતા. હવે કોચિંગ સ્ટાફનો ભાગ બન્યા બાદ પણ તેમની આ હરકત ફરી વિવાદનું કારણ બની છે. જોકે, મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ માટે દિવસ સારો રહ્યો હતો. ટીમે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. તિલક વર્માની આક્રમક ઇનિંગ અને અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગના કારણે મુંબઈએ 200 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. પરંતુ ટીમની જીતની ખુશી વચ્ચે પોલાર્ડની આ હરકતે થોડો ભંગ પાડ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને ઘણા ક્રિકેટ ચાહકોએ કોચ તરીકે પોલાર્ડ પાસેથી વધુ જવાબદાર વર્તનની અપેક્ષા વ્યક્ત કરી છે.