ચૂંટણીઓ પૂરી થતાં જ હવે સામાન્ય જનતાને મોંઘવારીનો અસહ્ય મોટો ઝટકો લાગ્યો છે. લગભગ બે વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા બાદ હવે સરકારે એકસાથે 3 પ્રતિ લિટરનો વધારો કરીને લોકોના ખિસ્સા પર ભાર વધારી દીધો છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 97.77 અને ડીઝલ 90.67 પ્રતિ લિટર થઈ ગયું છે. એટલે કે હવે ઓફિસ જવું હોય, બાળકોને સ્કૂલ મુકવા જવું હોય કે રોજિંદી ખરીદી કરવી હોય, દરેક જગ્યાએ ખર્ચ વધવાનો છે. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા રાહત આપી અને ચૂંટણી પછી તરત જ વધારો કરી વસૂલી કરવામાં આવી”, કારણ કે લોકસભા ચૂંટણી પહેલા સરકારે ભાવમાં ઘટાડો કર્યો હતો, પરંતુ હવે ચૂંટણી પૂરી થતાં જ ફરી ભાવ વધારી દીધા. કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “મોંઘવારી મેન મોદીએ ફરી જનતા પર ચાબુક ચલાવ્યો છે.” સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે તો સીધો ટોણો માર્યો કે, “અમે તો પહેલાથી કહી રહ્યા હતા કે સાયકલથી સારું કંઈ નથી.” કારણ કે હાલની સ્થિતિ જોતા સામાન્ય માણસ માટે કાર કે બાઈક ચલાવવું પણ મોંઘું પડી શકે છે.
માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, હવે CNG પણ મોંઘી થઈ ગઈ છે. દિલ્હીમાં CNG 79.09 પ્રતિ કિલો થઈ ગઈ છે. એટલે કે જે લોકો પેટ્રોલના વધતા ભાવથી બચવા CNG તરફ વળ્યા હતા, તેમને પણ હવે ઝટકો લાગ્યો છે. આ વચ્ચે ભારતીય રૂપિયો પણ ડોલર સામે સતત કમજોર થઈ રહ્યો છે. રૂપિયો હવે 96.14ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલના ભાવ આ જ રીતે વધતા રહ્યા તો રૂપિયો ટૂંક સમયમાં 100 સુધી પણ પહોંચી શકે છે. એટલે કે મોંઘવારીનો તોફાન હજુ આગળ વધી શકે છે. સરકાર અને ઓઈલ કંપનીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું થતાં આ વધારો કરવો જરૂરી બન્યો હતો. ઈરાન-અમેરિકા તણાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલરથી વધીને 100 ડોલર પ્રતિ બેરલ પાર પહોંચી ગયા છે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટે છે ત્યારે સામાન્ય લોકોને તરત રાહત કેમ નથી મળતી?
પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા મુજબ સરકારી ઓઈલ કંપનીઓને દર મહિને લગભગ 30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. એટલે હવે આ નુકસાનની ભરપાઈ સીધી જનતાના ખિસ્સામાંથી થવાની છે. આ ભાવવધારાની સૌથી મોટી અસર હવે રસોડા પર પડશે. ડીઝલ મોંઘું થતાં ટ્રક અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે. એટલે બહારથી આવતી શાકભાજી, ફળો અને રાશન પણ મોંઘું થઈ શકે છે. બસ, ઓટો અને સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે. ખેડુતો માટે ટ્રેક્ટર અને પંપ ચલાવવાનો ખર્ચ વધશે, જેના કારણે ખેતી મોંઘી પડશે અને અંતે અનાજના ભાવ પણ વધી શકે છે. નિષ્ણાતો તો ચેતવણી આપી રહ્યા છે કે હાલનો 3નો વધારો અંતિમ નથી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં હાલની સ્થિતિ યથાવત રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઈ શકે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીઓને સંપૂર્ણ નુકસાનમાંથી બહાર આવવા માટે હજુ 28થી 32 સુધીનો વધારો કરવાની જરૂર પડી શકે છે.
વિચારવા જેવી વાત એ છે કે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. હવે સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે “સરકાર પહેલા ભાવ વધારે અને પછી બચત કરવાની સલાહ આપે?” દિલ્હી સરકારે તો હવે સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ કરવાની જાહેરાત પણ કરી દીધી છે, જેથી ઈંધણનો ઉપયોગ ઓછો થાય. ખાનગી કંપનીઓને પણ આવું કરવા અપીલ કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિ જોતા સામાન્ય માણસ માટે મોંઘવારીનો વધુ એક કપરો સમય શરૂ થયો હોવાનું લાગી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ વધતા એરલાઇન્સ કંપનીઓ પર પણ દબાણ વધી રહ્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં ફ્લાઇટ ટિકિટના ભાડામાં વધારો થવાની શક્યતા છે. મિડલ ઇસ્ટ માટે હવે રોજિંદી ઓફિસ ટ્રાવેલથી લઈને વેકેશન પ્લાનિંગ સુધી દરેક ખર્ચ વધતો જોવા મળી શકે છે. વિરોધ પક્ષોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે ચૂંટણી દરમિયાન ભાવ સ્થિર રાખ્યા અને હવે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર કરતો નિર્ણય લેવામાં આવ્યો છે.