Waghodia

વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ

કોંગ્રેસના ઉમેદવારોની ઘરવાપસીથી રાજકીય ગરમાવો, અંતિમ ક્ષણોમાં ઘમાસાણ બાદ ઉમેદવારી પરત

ગુજરાત મિત્ર ન્યુઝ | વાઘોડિયા
વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે ઉમેદવારી પરત ખેંચાવવાના મુદ્દે ખેંચતાણ સર્જાઈ હતી. અંતે જિલ્લા પંચાયતની જરોદ અને ગુતાલ સહિતની બેઠકો પર ભાજપે ઉમેદવારો બિનહરીફ બનાવવામાં સફળતા મેળવી હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, ભાજપમાં ટિકિટ ન મળતા બે કાર્યકર્તાઓ — નરેન્દ્રભાઈ સુરેશભાઈ વસાવા (ગુતાલ જિલ્લા પંચાયત) અને પ્રકાશભાઈ ચીમનભાઈ વસાવા (જરોદ જિલ્લા પંચાયત) — કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ બાદમાં તેઓ ભાજપના ઇન્ચાર્જ રાજેન્દ્ર પટેલના સંપર્કમાં આવતા બંને ઉમેદવારો પાસેથી ઉમેદવારી પરત ખેંચાવવામાં આવી હતી. જેના કારણે બંને જિલ્લા પંચાયત બેઠકો ભાજપ બિનહરીફ બની હતી. ઉપરાંત ગુતાલ તાલુકા પંચાયતની એક બેઠક પણ બિનહરીફ જાહેર થઈ હતી.

સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખનો વિરોધ, ભાજપ કાર્યકરો સાથે ઘર્ષણ
ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ વહેલી સવારથી સેવા સદન ખાતે હાજર રહ્યા હતા. તેમણે કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંતિમ ક્ષણોમાં ભાજપ કાર્યકરોની ગાડીઓમાં ઉમેદવારો સેવા સદન પહોંચ્યા હતા.
આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ અને ભાજપના કાર્યકરો વચ્ચે તંગ સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ ઉગ્ર બનતા ભાજપના આગેવાનો સુરેશભાઈ પટેલ અને જય જોશીએ મધ્યસ્થી કરી મામલો સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

ધારાસભ્યની સમજાવટથી મામલો શાંત
પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સ્થળ પર પહોંચ્યા હતા અને બંને પક્ષોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખને સુરક્ષિત રીતે સ્થળ પરથી દૂર લઈ જવામાં આવ્યા હતા જેથી વધુ ઘર્ષણ ટાળી શકાય.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બિનહરીફ જીત સુનિશ્ચિત કરવા માટે વિવિધ રાજકીય વ્યૂહરચનાઓ અપનાવી હોવાના આક્ષેપો વચ્ચે વાઘોડિયા તાલુકાનું રાજકારણ ગરમાયું છે. હવે આગળના તબક્કામાં મતદારોનું વલણ શું રહેશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

રિપોર્ટર: બજરંગ શર્મા

Most Popular

To Top