આઇસર ટ્રકમાંથી દેશી દારૂના થેલા રસ્તા પર પડ્યા
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આઇસર ટ્રકમાંથી દેશી દારૂના થેલા રસ્તા પર પડી જતાં જશોદાનગરથી હાથીજણ રોડ પર દારૂ પાણીની જેમ વહેતો જોવા મળ્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. આ બનાવમાં પોલીસ બે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના વટવા જીઆઈડીસી પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે નાઈટ પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને બુટલેગરોએ ટ્રક ઝડપી હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રકમાંથી દારૂ ભરેલા થેલા રસ્તા પર પટકાયા અને ફાટી જતા સમગ્ર રોડ પર દારૂ ધોળાયો હતો. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો કુતુહલ સર્જાયુ હતું.
જોકે પોલીસે ટ્રકનો પીછો કરી તેને અટકાવીને તપાસ કરતાં ટ્રકમાં ડીઝલ ટેન્ક ઉપર ખાસ બનાવેલા ગુપ્ત ચોરખામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે બે આરોપીઓ સાદિક મિયા મલેક અને ગણપતભાઈ તળપદાની ધરપકડ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે દારૂનો જથ્થો ખેડાના ચલાલી ગામના કનુભાઈ તળપદાએ ભરાવ્યો હતો. અને અમદાવાદના અસારવા-શાહીબાગ વિસ્તારમાં ઉતારવાનો હતો.