Gujarat

અમદાવાદમાં 15 મેના રોજ ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026’ યોજાશે

અમદાવાદ,

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ગુજરાત વેપારી મહામંડળ) દ્વારા આગામી 15 મે, 2026ના રોજ સોલિનેર ખાતે ‘GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026’ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. ગુજરાત વેપારી મહામંડળની ESG ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત આ સમિટ તેની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ હવે વિસ્તૃત રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે યોજાઈ રહી છે.

“ગુજરાત: ભારતના સસ્ટેનેબલ વિકાસનું એન્જિન – 2047 અને 2070 સુધીનો રોડમેપ — જ્યાં નફો અને ઉદ્દેશ્યનો સમન્વય થાય છે” થીમ આધારિત આ સમિટનો મુખ્ય હેતુ ગુજરાતને સસ્ટેનેબલ ઔદ્યોગિક વિકાસ અને ક્લાયમેટ-રિસ્પોન્સિવ આર્થિક પરિવર્તન માટેના આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરવાનો છે.

સમિટમાં નીતિ નિર્ધારકો, ઉદ્યોગજગતના અગ્રણીઓ, પર્યાવરણ નિષ્ણાતો, નાણાકીય સંસ્થાઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક વિચારકો એક જ મંચ પર આવી ભારતના ‘ગ્રીન ટ્રાન્ઝિશન’ માટે ચર્ચા અને માર્ગદર્શન આપશે.

iNDEXTb અને શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ

સમિટને ગુજરાત સરકારની રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઈન્ડેક્ષ-બીનો સહયોગ પ્રાપ્ત થયો છે. ગ્રીન હાઇડ્રોજન, સ્માર્ટ ગ્રીનફિલ્ડ શહેરો, ESG આધારિત રોકાણો અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા ઈન્ડેક્ષ-બી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.આ ઉપરાંત ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને CEPT યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ સમિટમાં સક્રિયપણે જોડાશે.

ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે i-Hub ગુજરાત વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જોડાયું છે, જેના માધ્યમથી 10 હાઇ-ઇમ્પેક્ટ ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ તેમના નવીન સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે.

વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર થશે ચર્ચા

સમિટમાં ગ્રીન ફાઇનાન્સ, સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડિયન કાર્બન માર્કેટ્સ, સપ્લાય ચેઈન કાર્યક્ષમતા, ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ, જેન્ડર ઇક્વાલિટી અને ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

વિશેષ રૂપે ગુજરાતની પ્રથમ ‘જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ’નું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સર્વસમાવેશક નેતૃત્વ અને સંગઠનાત્મક ઉત્પાદકતા વચ્ચેના સંબંધ પર મંત્રણાઓ યોજાશે.

‘ઓપરેશનલ નેટ-ઝીરો’ સમિટ તરીકે ઓળખાશે

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા સતત બીજા વર્ષે આ સમિટને ‘વેરિફાઇડ ઓપરેશનલ નેટ-ઝીરો’ ઇવેન્ટ તરીકે આયોજિત કરવામાં આવશે. અદ્યતન લાઇવ-મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ઇવેન્ટના કાર્બન ઉત્સર્જનનું માપન કરવામાં આવશે અને તેને સરભર કરવા માટે વિશેષ પગલાં લેવામાં આવશે.

ગુજરાત વેપારી મહામંડળનું માનવું છે કે સસ્ટેનેબિલિટી ક્ષેત્રે નેતૃત્વ માત્ર વિચારોથી નહીં, પરંતુ અસરકારક અમલીકરણ દ્વારા સાબિત થવું જોઈએ.

Most Popular

To Top