અમદાવાદ
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. જેલની અંદર ‘છોટા ચક્કર’ વોર્ડમાં ફરજ બજાવતા જેલ સહાયક ભરતભાઈ ચાવડા પર ચાર કેદીઓએ જીવલેણ હુમલો કરતા જેલ સત્તાવાળાઓ ચોકીં ઉઠ્યા છે. કેદીઓએ ઈંટના ટુકડાઓ વડે હુમલો કરતા ભરતભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદની સાબરમતી જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ચાવડા ફરજ દરમિયાન કેટલાક કેદીઓને ગાળો બોલતા અટકાવી રહ્યા હતા. આ વાતથી ઉશ્કેરાયેલા કેદીઓએ ગાર્ડન વિસ્તારમાંથી ઈંટના ટુકડા ઉઠાવી તેમના પર હુમલો કર્યો હતો, જેમાં તેમના માથાના ભાગે ઈજા થતાં ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.
હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા કેદીઓએ જેલ સ્ટાફ સામે ઉદ્ધતાઈભર્યા શબ્દોમાં ધમકીઓ ઉચ્ચારી હતી. “તમારો સ્ટાફ કે એસ.પી. મારું કંઈ બગાડી નહીં શકે,” જેવી ધમકીઓના કારણે જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બનેલી આ હિંસક ઘટનાએ જેલ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હુમલો કરનાર કેદીઓમાં સંગ્રામસિંહ શીકરવાર, સનિપ ઉર્ફે સની પટણી, લખમણ ઉર્ફે પોપટ હડિયોલ અને અંકિત લોધીનો સમાવેશ થાય છે. હુમલા દરમિયાન કેદીઓએ જેલ સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને પગલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપી કેદીઓ વિરુદ્ધ સરકારી કર્મચારી પર હુમલો, ફરજમાં રૂકાવટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.