જીટીયુ કેમ્પસ ખાતે 19મા સ્થાપના દિવસની ઉજવણી- વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન
અમદાવાદ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે 19મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી 16મી મેના રોજ યોજાનાર છે. યુનિવર્સિટીના લગભગ બે દાયકાના શૈક્ષણિક પ્રવાસ, ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા, ઉદ્યોગ સહયોગ અને વિદ્યાર્થી વિકાસમાં આપેલા યોગદાનને આ પ્રસંગે ઉજાગર કરવામાં આવશે.
જીટીયુના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર એ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, જીટીયુનો સ્થાપના દિવસ માત્ર વર્ષોની ઉજવણી નથી, પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને સમાજ વિકાસ પ્રત્યેની આપણી અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. છેલ્લા વર્ષોમાં જીટીયુએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પરિવર્તનશીલ અને પ્રેરણાદાયક શૈક્ષણિક માહોલ ઊભો કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અવસર સમગ્ર જીટીયુ પરિવારના સમૂહપ્રયાસો અને સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ છે. તમામ એવોર્ડ વિજેતાઓ તથા યોગદાનકર્તાઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. હું વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, પૂર્વ વિદ્યાર્થીઓ અને તમામ હિતધારકોને આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા આમંત્રણ પાઠવું છું.
સ્થાપના દિવસની ઉજવણીમાં શિક્ષણવિદો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, સંશોધકો, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, અધિકારીઓ તથા યુનિવર્સિટી પરિવારના વિવિધ હિતધારકો ભાગ લેશે. આ કાર્યક્રમ માત્ર સિદ્ધિઓની ઉજવણી પૂરતો નહીં રહે પરંતુ નવીનતા, સર્જનાત્મકતા, શૈક્ષણિક નેતૃત્વ અને સંસ્કારપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ પ્રત્યેની જીટીયુની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
ઉજવણી અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કળાત્મક અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવશે. સમગ્ર કેમ્પસ ઉત્સવી માહોલથી ઝળહળી ઊઠશે અને વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લેશે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સન્માન સમારોહોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એનબીએ માન્યતા પ્રાપ્ત કરનાર કુલ 14 અરજદારોના 26 કાર્યક્રમોને સન્માનિત કરવામાં આવશે. ફેકલ્ટી રિકગ્નિશન સ્કીમ (FRS) અંતર્ગત 26 ફેકલ્ટી સભ્યોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત 9 બેસ્ટ એમ્પ્લોયી એવોર્ડ, 2 બેસ્ટ સેક્શન એવોર્ડ તથા 5 બેસ્ટ પીએચ.ડી. એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.
આ સ્થાપના દિવસની ઉજવણી જીટીયુની સર્વાંગી વિકાસ, શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, નવીનતા અને સક્રિય શૈક્ષણિક વાતાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરશે.