Lunavada

મહિસાગર એસપી પોતે તાલુકા મથકો પર આવીને લોકોની વ્યથા સાંભળશે

પોલીસની સંવેદનશીલ પહેલથી હવે ફરિયાદ માટે લુણાવાડા સુધી લાંબા થવાની જરૂર નથી
લુણાવાડા:
મહિસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સાથે લોકભિમુખ વહીવટને વેગ આપવા માટે પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ન્યાય મેળવવા માટે હવે 40થી 50 કિલોમીટર દૂર લુણાવાડા સુધી ધક્કા ખાવા નહીં પડે. એસપી પોતે દર બુધવારે નિર્ધારિત પોલીસ મથકો પર હાજર રહી લોકોની રજૂઆતો સાંભળશે.
મહિસાગરમાં સ્થાનિક પોલીસની કામગીરીથી અસંતોષ હોય અથવા રજૂઆતોમાં વિલંબ થતો હોય ત્યારે નાગરિકોએ જિલ્લા પોલીસ વડાને મળવા માટે લુણાવાડા સ્થિત કચેરીએ જવું પડતું હોય છે. પરંતુ બાલાસિનોર અને વીરપુર જેવા તાલુકાઓથી લુણાવાડાનું અંતર ઘણું હોવાથી લોકોના સમય અને નાણાંનો વ્યય થતો હતો, જેના કારણે ઘણીવાર સામાન્ય માણસ ન્યાય મેળવવાની ઈચ્છા જ છોડી દેતો હોય છે. પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ વધે અને સમન્વય જળવાય તે હેતુથી મહિસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જો કોઈ અનિવાર્ય સંજોગો હોય તો નાગરિકો લુણાવાડા ખાતેની પોલીસ અધિક્ષક કચેરીનો પણ સંપર્ક કરી શકે છે. આ પહેલથી પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટશે અને પડતર અરજીઓનો ઝડપથી નિકાલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કોઈપણ જાતના ડર વિના નાગરિકો પોતાની ન્યાયિક રજૂઆતો માટે આ તકનો લાભ લે તેમ પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર 02674 – 250128 પર પણ સંપર્ક કરી શકાય છે.

તાલુકા મથકે એસપીને મળવાનો કાર્યક્રમ:
– કડાણા અને સંતરામપુર વિસ્તાર: નાગરિકો દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સાંજે 4-30 થી 7-00 કલાક દરમિયાન સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે એસપીને રૂબરૂ મળી શકશે.
– બાલાસિનોર અને વીરપુર વિસ્તાર: આ વિસ્તારના લોકો દર મહિનાના બીજા અને ચોથા બુધવારે સાંજે 4-30થી 7-00 કલાક દરમિયાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી શકશે.

Most Popular

To Top