Gujarat

NEET પેપર લીક મુદ્દે અમદાવાદ સહિત રાજ્યમાં NSUIના કાર્યકરોના વિરોધ પ્રદર્શન

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી એજન્સી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વિરોધ કરી રહેલા કાર્યકરોને કાબૂમાં લેવા વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, એક તબક્કે વિદ્યાર્થી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ ઉભુ થયું હતુ.
દેશભરમાં NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે સરકાર અને પરીક્ષા એજન્સી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એનએસયુઆઈના આગેવાનોનો આક્ષેપ હતો કે નીટ જેવી મહત્ત્વપૂર્ણ પરીક્ષામાં થયેલી ગેરરીતિને કારણે લાખો મહેનતું વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થયો છે. સરકારી તંત્ર અને પરીક્ષા લેતી એજન્સીઓની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. દેખાવો દરમિયાન પરિસ્થિતિ ઉગ્ર બનતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને કાબૂમાં લેવા અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરવામાં આવે અને પીડિત વિદ્યાર્થીઓને વહેલી તકે ન્યાય આપવામાં આવે. સંગઠને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top