Gujarat

ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર

શહેરભરમાં રેસ્ક્યૂ બોટ અને ઇમરજન્સી ટીમોની વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં આગામી ચોમાસાની સિઝન દરમિયાન કોઈપણ પ્રકારની વરસાદી આપત્તિ અને ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી કામગીરી થઈ શકે તે માટે અમદાવાદ મનપાના ફાયર વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરી છે. શહેરના તમામ ઝોનમાં ફાયર સ્ટેશન, ફાયર ટેન્ડર, રેસ્ક્યૂ બોટ તેમજ ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમોને તૈયાર કરી દેવામાં આવી છે.

શહેરના તમામ ઝોનમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ ઇમરજન્સી સર્જાય તો નાગરિકોને ઝડપથી સહાય મળી રહે તે માટે ફાયર વિભાગ દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા પણ કાર્યરત રાખવામાં આવી છે. આગ લાગવાની ઘટના અથવા અન્ય આપત્તિ માટે 101 નંબરની ફાયર સર્વિસની સુવિધા પાલડી સ્થિત સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવી છે.

આ ઉપરાંત 101 નંબર માટે BSNLની 5 ટેલિફોન લાઈનો મુખ્ય કંટ્રોલ રૂમમાં કાર્યરત રાખવામાં આવી છે. પાલડી સ્થિત ફાયર કંટ્રોલ રૂમ ખાતે એક્સચેન્જ તથા શબવાહિની સુવિધા માટે પણ BSNLની વધારાની 5 ટેલિફોન લાઈનો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદ મનપા દ્વારા ભારે વરસાદ, પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય કુદરતી આપત્તિ જેવી પરિસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ ઝોનમાં ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે તેમજ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.

Most Popular

To Top