કારેલીબાગની વિદેશ મોકલતી અક્ષર ફોરેન એજ્યુકેશન નામની એજન્સીના સંચાલક સામે ગુનો દાખલ
કેનેડાની કંપનીનો સંપર્ક કરતા LMIA લેટર બોગસ સહિતના દસ્તાવેજો પણ ડુપ્લીકેટ નીકળ્યા
વડોદરા તા.14
વડોદરા શહેરમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. કેનેડા વિઝા અપાવવાની લાલચ આપી એક એજન્ટે યુવક પાસેથી તબક્કાવાર 17.09 લાખ રૂપિયા પડાવી લીધા બાદ ખોટા દસ્તાવેજો આપ્યા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ભાવીન જંયતીલાલ અંકોલા (ઉંમર 31), જે પાદરા ખાતે એક ફાર્મા કંપનીમાં નોકરી કરે છે, તેમણે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હતા. ફેબ્રુઆરી 2023 દરમિયાન તેમના મિત્ર મારફતે કારેલીબાગ સ્થિત અક્ષર ફોરેન એજ્યુકેશન નામની એજન્સી સાથે સંપર્ક સાધ્યો હતો.
આ એજન્સીના સંચાલક અતિત જિતેન્દ્ર બારોટે કેનેડા માટે વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની ખાતરી આપી તેમની પાસેથી રૂપિયા 17.09 લાખમાં કામ કરવાની વાત કરી હતી. ત્યારબાદ ભાવીન અંકોલાએ તબક્કાવાર રૂપિયાની ચુકવણી શરૂ કરી હતી.
તેમણે પ્રથમ 4 ફેબ્રુઆરીના રોજ રૂ. 1 લાખ અને 27 ફેબ્રુઆરીના રોજ રૂ. 2 લાખના ચેક આપ્યા હતા. બાદમાં 29 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 8 લાખ અને ફેબ્રુઆરી 2024 દરમિયાન વિઝા પ્રોસેસ ફી તરીકે રૂ. 1.97 લાખ આરટીજીએસ મારફતે ચૂકવ્યા હતા. આમ મળીને આરોપીને અંદાજે રૂ. 17.97 લાખ આપવામાં આવ્યા હતા.
આ દરમિયાન આરોપીએ ભાવીનને કેનેડાની CNRL કંપનીનું LMIA લેટર મોકલી વિશ્વાસમાં લીધા હતા. પરંતુ આ લેટર પર શંકા જતા ભાવીને પોતાના ઇમેઇલ દ્વારા કેનેડાની કંપનીને સંપર્ક કરતા એવો કોઈ LMIA લેટર તેઓએ જારી કર્યો નથી અને આપેલા દસ્તાવેજ પણ ખોટો છે.
અતીત બારોટે ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિદેશ મોકલવાના બહાને રૂપિયા પડાવી લીધા છે.હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.