ટાઈગર ગેંગના બે શખ્સોએ મારામારી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી , ગોરવા વિસ્તારમા ટાઈગર ગેંગનો વધતો આતંક
વડોદરા તા.19
વડોદરાના ગોરવા વિસ્તારના બોરીયા-02માં જૂની અદાવતને લઈને એક યુવક પર લાકડા અને ધારદાર હથિયાર વડે હુમલો કરાયો હતો. હુમલામાં યુવકને પીઠ અને હાથમાં ઈજાઓ પહોંચતા તેને ગંભીર હાલતમા 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગોરવા પોલીસે બે શખ્સો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગોરવાના નુરાની પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય સોહીલ હિંમતભાઈ રાજે નોંધાવેલી ફરિયાદ મુજબ, 18 જુલાઈની રાત્રે તેઓ તેમના મિત્ર ફયાજ દિવાનને બોરીયા-02 ખાતે ઘરે મૂકીને પરત આઝાદનગર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બોરીયા-02 ની ગલી પાસે અગાઉ લગભગ 20 દિવસ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખી ટાઈગર ગેંગના મિન્હાજ નામના શખ્સે પાછળથી આવી લાકડાના ફટકા મારી હુમલો કર્યો હતો.
થોડા સમય બાદ મિન્હાજના કાકાનો દીકરો આફતાબ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે સોહીલના બંને હાથ પકડી રાખ્યા હતા, જ્યારે મિન્હાજ સતત લાકડાના ફટકા મારતો રહ્યો હતો. ત્યારબાદ આફતાબે પોતાની પાસે રહેલા ધારદાર હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સોહીલે હથિયાર પકડી લેતાં બંનેએ ગડદાપાટુનો માર માર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા.
દરમિયાન આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. જતાં જતાં બંનેએ ફરી મળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હુમલામાં સોહીલને પીઠના ભાગે, જમણા હાથના કાંડા તેમજ બંને અંગૂઠાની બાજુએ ઈજાઓ પહોંચી હતી. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે મિન્હાજ અને આફતાબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ભોગબનનાર યુવકના બહેને ટાઇગર ગેંગનો આતંક વધી ગયો છે, જેમા ગોરવા પોલીસ સ્ટેશનની બહાર ગાળો બોલી ધમકી આપી હોવા છતા પોલીસે તેમની સામે કાર્યવાહી નહી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.