ઐતિહાસિક સ્મારક પર ચઢીને બનાવ્યો ડાન્સ વીડિયો, સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં
કાન પકડી માફી માગવા મજબૂર બન્યા યુવકો, જોખમી રીલ્સ સામે પોલીસનો લાલબત્તી સમાન સંદેશ
(પ્રતિનિધિ) હાલોલ, તા. 19
સુપ્રસિદ્ધ ઐતિહાસિક અને યાત્રાધામ પાવાગઢ ખાતે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછા કેટલાક યુવકોને ભારે પડી છે. પાવાગઢના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા સદીઓ જૂના સીટી ગેટ પર ચઢીને ડાન્સ કરતાં 6 યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાવાગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ તમામ યુવકોને શોધી કાઢી તેમની અટકાયત કરવામાં આવી હતી.
માહિતી મુજબ, યુવકો મોબાઇલ ફોન અને ડ્રોન કેમેરાની મદદથી સીટી ગેટ પર ચઢી મ્યુઝિક સાથે રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન સીટી ગેટની નીચેથી સતત વાહનોની અવરજવર ચાલી રહી હતી. જોખમી રીતે સ્મારક પર ચઢીને વીડિયો બનાવવામાં મશગુલ યુવકોને પોતાની સુરક્ષા કે ઐતિહાસિક વારસાના સંરક્ષણનું કોઈ ભાન રહ્યું ન હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી હતી.

વાયરલ વીડિયો સામે આવ્યા બાદ પાવાગઢ પોલીસની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ વીડિયોમાં દેખાતા તમામ યુવકોને શોધી પાવાગઢ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસ સમક્ષ યુવકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવી જોખમી હરકત નહીં કરવાની ખાતરી આપતાં કાન પકડી માફી પણ માંગી હતી.
પાવાગઢ જેવા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળે સુરક્ષા અને વારસાના સંરક્ષણ માટે અનેક નિયમો અમલમાં છે. તેમ છતાં સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં કેટલાક યુવકો આવા જોખમી સ્ટન્ટ કરતા હોવાની ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. પોલીસે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા અને ઐતિહાસિક સ્મારકો સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ