આણંદ:
કરમસદ – આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણીમાં ભાજપે કુલ 52 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ હસ્તગત કરી લીધી છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ફોર્મ પરત ખેંચવાના દિવસે આપમાંથી ઉમેદવારી કરનાર બે મહિલા સહિત એક પુરૂષ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપની બે મહિલા બેઠકો બિનહરીફ વિજેતા થયા છે. જ્યારે વોર્ડ નંબર 13માંથી ઓબીસી બેઠક પર આપના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપની વધુ એક મહિલા બિનહરીફ વિજેતા થવા પામી છે. આ સાથે જ ભાજપે 13 વોર્ડની 52 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ જીતી લેવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોય, ફોર્મ ચકાસણી બાદથી જ ઉમેદવારો દ્વારા પોતાના પ્રતિસ્પર્ધીઓના ફોર્મ પરત ખેંચાવાની કવાયત તેજ કરી દીધી હતી. કરમસદ આણંદ મનપાના વોર્ડ નંબર 7માથી ઉમેદવારી કરનાર આપના અજયભાઈ મહેશભાઈ પ્રજાપતિ, મીનાબેન અશોકભાઈ રાણા અને સ્મીતાબેન ધનશ્યામભાઈ ઠક્કરે ફોર્મ પરત ખેંચી લેતાં મહિલા ભાજપના ગાર્ગીબેન ઠક્કર અને જશોદાબેન ભાવનાનીની સામે એકપણ ઉમેદવાર ના રહેતા તેઓ બિનહરીફ વિજેતા થવા પામ્યા છે. કોંગ્રેસે વોર્ડ -નંબર 7માંથી એકપણ ફોર્મ ભરાવ્યુ નહોતુ.
આ ઉપરાંત વોર્ડ નંબર 13માંથી ઓબીસી બેઠક પર ફોર્મ ભરનાર આપના ભુમિકાબેન નીખીલભાઈ જેઠવાએ પણ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા આ વોર્ડમાંથી ભાજપના ઓબીસી ઉમેદવાર ચેતનાબેન જીતેન્દ્રકુમાર ચાવડા બિનહરીફ વિજેતા થશે. આ સિવાય વોર્ડ નંબર પમાંથી અપક્ષ ફોર્મ ભરનાર અલ્પેશભાઈ સાયમનભાઈ ક્રિશ્ચીયને પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીઘુ છે. છેલ્લે છેલ્લે વોર્ડ 6ની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપે મનપાના જંગ પહેલા જ 52માંથી 12 બેઠકો બિનહરીફ જીતી લેતાં આણંદ મનપામાં ભાજપનો ભગવો લહેરાશે તે નિશ્ચિત થઈ જવા પામ્યું છે. કરમસદ આણંદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ ઉંઘતા ઝડપાયા છે. ભાજપ સમર્થિત વોર્ડોમાં ઉમેદવારીપત્ર પણ ભરાવી શક્યા નહોતા. જયારે કોંગ્રેસ સમર્થિત વોર્ડમાં પણ ભાજપે કેટલાક મજબુત ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેતાં સમગ્ર ચૂંટણી જંગ ભાજપ તરફી બની જવા પામ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
વોર્ડ નં 6 – (સમગ્ર પેનલ બિનહરીફ)
1. ડૉ. સ્વપ્રિલ પટેલ
2. નિશિત પટેલ (બુઘાજી)
૩. કવિતાબેન જીગ્નેશભાઈ પટેલ
4. હિરલબેન અર્પણભાઈ પટેલ
વોર્ડ નં 9 – 2 બેઠક બિનહરીફ
1. રૂપલબેન પટેલ
2. નિરાલીબેન પટેલ
વોર્ડ નં 7 -( 2 બેઠક બિનહરીફ)
1. જશોદાબેન રાજેશભાઈ ભાવનાની
2. ગાર્ગીબેન સપ્તર્ષિભાઈ પટેલ
વોર્ડ નં 8 – (3 બેઠક બિનહરીફ)
1. હાર્દિકાબેન અંકિતભાઈ ઠક્કર
2. પ્રીતિબેન સુનિલભાઈ શાહ
3. અમિતજી ઠાકોર
વોર્ડ નં 13 – (1 બેઠક બિનહરીફ)
1. ચેતનાબેન ચાવડા