Charotar

મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો

પૂર્વ ધારાસભ્યએ પોલીસ અને અધિકારીઓને ભાજપના દલાલ ગણાવ્યા

કાળા કાચની ગાડીઓમાં પોલીસ પ્રોટેક્શન સાથે ટેકેદારોને લવાતા ઘર્ષણ: અધિકારીઓ સત્તાધારી પક્ષ સાથે ભળી ગયા હોવાના આક્ષેપ સાથે ઈન્દ્રજીતસિંહ પરમારના આકરા પ્રહાર


પ્રતિનિધિ) નડિયાદ, તા.15
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે અને કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર દ્વારા ફોર્મ નંબર 6 રજૂ કરી ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ પ્રોટેક્શન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેના ઘર્ષણના કારણે સરકારી કચેરી પરિસરમાં લાંબા સમય સુધી અફરાતફરીની સ્થિતિ જોવા મળી હતી. ઉમેદવારી પરત ખેંચાવાની આ ઘટનાને પગલે કોંગ્રેસ છાવણીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર પ્રક્રિયા સામે અનેક સવાલો ઉભા થયા છે.
સ્થાનિક પોલીસ દ્વારા કોંગ્રેસના ટેકેદારોને ખાસ સુરક્ષા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. 2 કાળા કલરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓમાં ટેકેદારોને પોલીસ પ્રોટેક્શન સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન ટેકેદારે ફોર્મ નંબર 6 રજૂ કરીને વડથલ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પોલીસની કામગીરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં જ્યારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેમને અટકાવતા મામલો બિચક્યો હતો. આ સમયે પૂર્વ ધારાસભ્યએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોલીસ ભારતીય જનતા પાર્ટીની દલાલી કરી રહી છે અને ખાખી વર્દીની મર્યાદા ભૂલીને સત્તાધારી પક્ષના ઈશારે કામ કરે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ભાજપ સાથે ભળી ગયા છે અને લોકશાહીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. પરિસરમાં તૈનાત પોલીસ કાફલા અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી જેવા દ્રશ્યો સર્જાતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. ટેકેદારોને જે રીતે ખાનગી વાહનોમાં પોલીસ સુરક્ષા સાથે લાવવામાં આવ્યા તે મુદ્દો આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમને ભાજપની રમત ગણાવીને આગામી દિવસોમાં આંદોલનાત્મક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. વડથલ બેઠક પર ઉમેદવારી પરત ખેંચાતા હવે ચૂંટણીના સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે અને રાજકીય ગરમાવો વધ્યો છે.

Most Popular

To Top