પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની ગૌરી શાર્દૂલે 93% મેળવી શહેરનું નામ રોશન કર્યું
નવરચના હાયર સેકન્ડરી સ્કૂલના 30 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
ધોરણ-10નું સીબીએસઈનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ભારતમાંથી 26 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 24.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે એટલે કે 93.60 ટકા જેટલું રિઝલ્ટ આવ્યુ છે. વડોદરાની નમાંકિત સ્કૂલોએ પણ 100 ટકા પરિણામ મેળવ્યું .
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું . આ વર્ષે કુલ 25,08,319 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરીક્ષા દેશભરના લગભગ 8,075 કેન્દ્રો પર સુચારૂ રીતે યોજાઈ હતી. એજ્યુકેશન એક્સપર્ટ રવિ વઢવાણાએ જણાવ્યું હતું કે, સીબીએસઈ બોર્ડ દ્વારા પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી હતી, જેના કારણે પરિણામ પણ સમયસર જાહેર થઈ શક્યું છે. આ ઉપરાંત, ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પણ માર્કશીટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે. આ વર્ષે પણ છોકરીઓએ છોકરાઓની તુલનામાં સારું પ્રદર્શન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓ પ્રમાણે વિગતવાર વિશ્લેષણ આગળ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓએ મહેનત અને લગનથી પરીક્ષા આપી છે, જેના પરિણામે સારા પરિણામો જોવા મળી રહ્યા છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. હવે વિદ્યાર્થીઓ તેમના આગળના અભ્યાસ માટે યોગ્ય વિષય અને સ્ટ્રીમ પસંદ કરવા માટે માર્ગદર્શન લઈ રહ્યા છે. મહત્વની બાબત છે કે, આ વખતે વડોદરાની નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ સમા, વિદ્યાની વિદ્યાલય , પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ઈએમઈ, વાસણા બ્રાઈટ ઊર્મિ સહિતની નમાંકિત સીબીએસઈ સ્કૂલોએ 100 ટકા ઝળહળતું પરિણામ મેળવ્યું હતું.
30 વિદ્યાર્થીઓએ ચાર વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા
સમા નવરચના સ્કૂલે ધો.10 સીબીએસઈમાં 100% પરિણામ મેળવ્યું હતું. અવની કૌશિક 97.83% સાથે સ્કૂલ ટોપર રહી છે. SSE-2025-2026 માં 217 વિદ્યાર્થીઓમાંથી 67 વિદ્યાર્થીઓએ 90% થી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે 184 વિદ્યાર્થીઓએ 70% થી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 22, સંસ્કૃત કોમ્યુનિકેટિવ 3, ફ્રેંચ 1, સામાજિક વિજ્ઞાનમાં 4 મળી કુલ 30 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા.
નવરચના વિદ્યાની વિદ્યાલયે ધો.10 સીબીએસઈમાં 100 ટકા પરિણામ મેળવ્યું
નવરચના વિદ્યાની વિદ્યાલયે ધોરણ દસમા સીબીએસઈ પરીક્ષામાં 114 માંથી 114 પાસ એટલે 100% પરિણામ નોંધાવ્યું છે. ટોચના સ્કોરર્સમાં વંદન ઠાકર 98%, દીપ પટેલ 97.8%, સાત્વી સુતારિયા 97.8% અને ભવ્યા સિંઘલ 97.2% નો સમાવેશ થાય છે. આચાર્ય ડો. અર્ચના મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારા પરિણામો અમારા વિદ્યાર્થીઓની સ્થિતિસ્થાપકતા, જિજ્ઞાસા અને શાંત નિશ્ચયની ઉજવણી કરે છે. દરેક બાળકે તેમની ક્ષમતાનું સન્માન કર્યું છે.
બ્રાઈટ ડે સ્કૂલ વાસણા યુનિટના 37 વિદ્યાર્થીઓ 90 ટકા થી વધુ પર્સન્ટેજ મેળવ્યા
બ્રાઈટ ડે સ્કૂલ સીબીએસઈ યુનિટ, વાસણા વિભાગ સી.બી.એસ.ઈનું આજે જાહેર થયેલ ધોરણ 10 નું 100 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 10 માં 97.60 ટકા સાથે દેવ લખતરીયાએ શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળામાં 255 વિદ્યાર્થીઓ પરિક્ષામાં બેઠા હતા. જેમા 37 વિદ્યાર્થીઓ 90 % થી વધુ, 62 વિદ્યાર્થીઓના 80 % થી વધુ, 62 વિદ્યાર્થીઓના 70 % થી વધુ પર્સન્ટેજ મેળવ્યા છે. 53 વિદ્યાર્થી ઓના 60% થી વધુ, 41 વિદ્યાર્થી ઓના 50% થી વધુ પર્સન્ટેજ મેળવ્યા છે. ત્યારે, બ્રાઈટ સ્કૂલ મેનેજમેન્ટ, શિક્ષકગણ, આચાર્ય તેમજ વાલીગણ તરફ થી તમામ વિદ્યાર્થી ઓને તેમની અભૂતપૂર્વ સિધ્ધી માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ઉર્મિ સ્કૂલનું CBSE ધોરણ-10માં 100 % પરિણામ
ઉર્મિ સ્કૂલ એન્ડ હોસ્ટેલ દ્વારા સીબીએસઈ ધો.-10ના બોર્ડ પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. ચાલુ વર્ષે ઉર્મિ સ્કૂલના કુલ 116 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જે તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળાનું 100% પરિણામ આવ્યું છે. આ પરિણામમાં સૌથી વધુ આકર્ષણ અને ગૌરવનું કેન્દ્ર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની ગૌરી શાર્દૂલ રહી છે. ગૌરીએ પોતાની શારીરિક મર્યાદાઓને માત આપીને અત્યંત પરિશ્રમ દ્વારા 93 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. ગૌરીની આ અસાધારણ સિદ્ધિએ માત્ર ઉર્મિ સ્કૂલ જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરનું નામ ગૌરવિત કર્યું છે.