ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે જ ચિત્ર સ્પષ્ટ થયું; વાઘોડિયા પંથકમાં કાર્યકરો દ્વારા વિજય ઉત્સવની તૈયારીઓ



વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લા પંચાયતની રણોલી-22 બેઠક પર ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલા બિનહરીફ જાહેર થયા છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે હરીફ ઉમેદવારોએ પોતાના નામ પરત લેતા આ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
રણોલી-22 બેઠકની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજુ માસ્ટરના પત્ની ગીતાબેન ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત, પુષ્પાબેન પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝંપલાવ્યું હતું. જોકે, ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન ઠાકોર અને અપક્ષ ઉમેદવાર પુષ્પાબેન પરમાર બંનેએ પોતાના ઉમેદવારી ફોર્મ સ્વેચ્છાએ પાછા ખેંચી લીધા હતા. આ પ્રક્રિયાને અંતે ભાજપના ઉમેદવાર કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બિનહરીફ ચૂંટાયેલા કૈરવીબા વાઘેલા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નજીકના સંબંધી છે. આ જીત બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, જનતાનો વિશ્વાસ અને ભાજપની વિકાસની રાજનીતિને કારણે વિરોધ પક્ષના ઉમેદવારોએ પણ હાર સ્વીકારી લીધી હોય તેવું જણાય છે.
ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા ભાજપના આગેવાનોએ જણાવ્યું કે, રણોલી બેઠક પર કુલ ત્રણ ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાંથી બે ઉમેદવારોએ નામ પરત ખેંચતા ભાજપને બિનહરીફ બેઠક મળી છે. આ ઉપરાંત, જિલ્લાની અન્ય બેઠકો જેવી કે અનગઢમાં પણ બિનહરીફની પ્રક્રિયા અંગે અટકળો ચાલી રહી છે. વિપક્ષ દ્વારા ફોર્મ ખેંચવાની બાબતે ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ કોઈ ‘પ્રેશર ટેકનિક’ નથી, પરંતુ લોકો અને વિપક્ષ હવે સમજી ગયા છે કે ભાજપ સામે લડવા કરતા વિકાસના માર્ગે ચાલવું વધુ હિતાવહ છે. રણોલી બેઠક પર મળેલી આ જીત આગામી દિવસોમાં અન્ય બેઠકોના પરિણામો માટે પણ ભાજપનો જુસ્સો વધારનારી સાબિત થશે.