બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પરિવારને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ફ્લાઇટમાં ચડવા દેવામાં ન આવતા હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટકની દેવનહલ્લી કોર્ટએ આ ઘટનાને ગંભીરતાથી લઈ KLM રોયલ ડચ એરલાઇન્સના સિનિયર અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.
આ કેસ તામિલનાડુના સેલમ શહેરના જે. એસ. સતીશકુમારે દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ તેઓ પોતાના પરિવારના સાત સભ્યો સાથે 19 જૂન 2024ના રોજ બેંગલુરુથી પેરુ જવા માટે નીકળ્યા હતા, પરંતુ તમામ જરૂરી પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કર્યા છતાં તેમને ફ્લાઇટમાં બોર્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
ફરિયાદમાં જણાવાયું છે કે પરિવારએ કુલ ₹49 લાખ જેટલા મૂલ્યના આઠ નોન-રિફંડેબલ બિઝનેસ ક્લાસ ટિકિટો ખરીદ્યા હતા. છતાં એરલાઇન સ્ટાફે પેરુનો વિઝા ન હોવાનું કારણ આપી તેમને છેલ્લી ઘડીએ રોકી દીધા હતા. પરંતુ સતીશકુમારનો દાવો છે કે ભારતીય પાસપોર્ટ ધરાવતા મુસાફરો માટે પેરુમાં પ્રવેશ માટે કેટલીક પરિસ્થિતિઓમાં અન્ય દેશોના માન્ય વિઝા અથવા રેસિડન્સ પરમિટ પૂરતા હોય છે, છતાં એરલાઇન સ્ટાફે નિયમોની યોગ્ય સમજ કર્યા વગર તેમને રોકી દીધા.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ઘટના પછી પરિવારને આંતરિક રીતે “રેડ ફ્લેગ” કરવામાં આવ્યો હતો, જેના કારણે બાદમાં સિંગાપુર અને ઓસ્ટ્રેલિયામાં મુસાફરી દરમિયાન પણ તેમને પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે KLM એરલાઇન્સ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન તમામ ઇમિગ્રેશન નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે અને યોગ્ય દસ્તાવેજોની જવાબદારી મુસાફરોની હોય છે. સાથે જ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને હવે મુસાફરોના અધિકારો, એરલાઇનની જવાબદારી અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પહેલાં દસ્તાવેજોની ચકાસણી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.