સુરતના વેપારીને કોલકાતાના વેપારીએ રૂ. 54 લાખનો ચુનો લગાવ્યો
સુરત શહેરમાં ફરી એકવાર વેપારી સાથે મોટી આર્થિક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જવેલરીના વેપાર સાથે જોડાયેલા સુરતના વેપારીને કોલકાતાના વેપારીએ વિશ્વાસમાં લઈને લાખોની જવેલરી ખરીદી અને બાદમાં પેમેન્ટ કર્યા વગર ફરાર થઈ જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ બનાવમાં અંદાજે રૂ. 54 લાખથી વધુની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને જવેલરીના વેપાર સાથે સંકળાયેલા વેપારીએ કોલકાતાના એક વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી સાથે અગાઉથી વેપારી સંબંધ હતો અને વિશ્વાસના આધારે મોટા પ્રમાણમાં જવેલરીનો વેપાર કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપી વેપારીએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વધુ મોટો ઓર્ડર આપીને લાખોની જવેલરી ખરીદી હતી.
વેપારીએ માલ મોકલ્યા બાદ આરોપી વેપારી એ પેમેન્ટ કરવા માટે અલગ-અલગ બહાના બનાવવાનું શરૂ કર્યું હતું. વારંવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત ન આપતા આખરે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી કોલકાતાના વેપારીએ અંદાજે રૂ. 13.50 લાખની જવેલરીની શરૂઆતમાં ખરીદી કરી હતી. ત્યારબાદ વધુ વિશ્વાસ મેળવી રૂ. 54,00,453ની જવેલરી લઈને પેમેન્ટ ટાળતો રહ્યો હતો. વેપારી દ્વારા અનેક વખત ફોન અને સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીએ ફોન બંધ કરી દીધો હતો અને દુકાન પણ બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ નંબર, બેંક ટ્રાન્ઝેક્શન અને વેપારી દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ કોલકાતા સુધી પોલીસ તપાસનો દોર લંબાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વેપારી સાથે લાંબા સમયથી સંબંધ જાળવી વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ આયોજનબદ્ધ રીતે છેતરપિંડી આચરી હતી. વેપારીઓમાં આ બનાવને લઈને ભારે ચિંતા ફેલાઈ છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી વિશ્વાસના આધારે થતા વેપારમાં આવી ઠગાઈના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
વેપારી સંગઠનોએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી વેપારીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને મોટા પાયે માલ આપતા પહેલા બેંક ગેરંટી, એડવાન્સ પેમેન્ટ અને કાનૂની દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે ટેક્નિકલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીને ઝડપવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.