Gujarat

સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવેલા બંદિવાનોના પરિવારજનોને કાયદાકીય માર્ગદર્શન, મફત વકીલ સેવા તેમજ કેદીઓ અને તેમના પરિવારજનોને મળતા લીગલ રાઇટ્સ અંગે માહિતી સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા જેલના બહારના ભાગે “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક” ની સ્થાપના કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા કેદીના કેસની અપડેટ, અપીલ અરજી, જામીન અરજી સહિત વિવિધ કાનૂની પ્રક્રિયાઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે. આ હેલ્પ ડેસ્કનું લોકાર્પણ આજે તા. 15/05/2026 ના રોજ નામદાર જજ ડી.આર. જોશી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સાથે જ સુરત શહેરમાં સામાન્ય નાગરિકોને કાનૂની પ્રક્રિયાની જટિલતાઓમાંથી રાહત મળે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી પણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”ની શરૂઆત કરવામાં આવી છે. આ નવી પહેલ ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે, જેઓ આર્થિક પરિસ્થિતિને કારણે કાનૂની સહાય મેળવી શકતા નથી અથવા કોર્ટની કાર્યવાહી અંગે અજાણ હોય છે.

આ હેલ્પ ડેસ્ક દ્વારા હવે સામાન્ય લોકો માટે કાનૂની સહાય વધુ સરળ અને સગવડભરી બનશે. નાગરિકોને અહીં નિઃશુલ્ક વકીલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ પોતાના હકો અને કાનૂની અધિકારો વિશે યોગ્ય માહિતી મેળવી શકે. ઘણીવાર લોકો યોગ્ય માર્ગદર્શનના અભાવે ન્યાયથી વંચિત રહી જાય છે, ત્યારે આ હેલ્પ ડેસ્ક તેમના માટે મહત્વપૂર્ણ સહારો બની રહેશે.ખાસ કરીને જામીન પ્રક્રિયા, કોર્ટ કેસની હાલની સ્થિતિ, જરૂરી દસ્તાવેજો અને કાનૂની પ્રક્રિયાઓ અંગે લોકોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવશે. ઘણા લોકો માટે કોર્ટ અને કાનૂની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ અને ગૂંચવણભરી લાગે છે, પરંતુ હવે આ ડેસ્ક દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન મળવાથી લોકો વધુ આત્મવિશ્વાસ સાથે પોતાની સમસ્યાનો સામનો કરી શકશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગરીબ, પીડિત અને જરૂરિયાતમંદ લોકોને ઝડપથી અને સરળતાથી ન્યાય સુધી પહોંચાડવાનો છે. સમાજના નબળા વર્ગોને કાનૂની સુરક્ષા અને સહાય મળે તે માટે આ સેવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો, મજૂરો અને આર્થિક રીતે નબળા લોકો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થવાની શક્યતા છે.

હેલ્પ ડેસ્ક પર લોકોને નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે:

નિઃશુલ્ક વકીલ સેવા ,

જામીન માટે માર્ગદર્શન

કેસની સ્થિતિ અંગે માહિતી

કાનૂની સલાહ અને સહાય

સુરતમાં શરૂ થયેલી આ “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક” પહેલ સામાન્ય નાગરિકો માટે ન્યાયના દ્વાર વધુ સરળતાથી ખુલ્લા કરશે અને કાનૂની સહાયને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે.

Most Popular

To Top