Sports

ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ

આઈપીએલ 2026 દરમિયાન ફરી એકવાર એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મુંબઈના બેટર તિલક વર્મા વચ્ચે થયેલી વાતચીત હવે મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈને અર્શદીપ પર રેસિઝમ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે તિલક વર્મા ક્યાંક જઈ રહ્યા હોય છે ત્યારે અર્શદીપ સિંહ તેમને મજાકના અંદાજમાં રોકે છે. આ દરમિયાન અર્શદીપ કથિત રીતે તિલકને ‘ઓય અંધેરે’ કહીને બોલાવે છે. ત્યારબાદ તે મજાક કરતા પૂછે છે કે, સનસ્ક્રીન નથી લગાવ્યું? વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

ઘણા યુઝર્સે અર્શદીપની આ ટિપ્પણીને રંગભેદ સાથે જોડીને તેની ટીકા કરી હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે ક્રિકેટર્સ જાહેર જીવનમાં હોય છે અને આવી ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ. જોકે, કેટલાક ફેન્સે આને માત્ર મિત્રતાભરી મજાક ગણાવી હતી અને મામલો વધારવાની જરૂર નથી એવું પણ કહ્યું હતું. આ સમગ્ર ઘટનામાં રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે મેદાન પર તિલક વર્માએ પોતાની બેટિંગથી જોરદાર જવાબ આપ્યો. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં તિલકે માત્ર 33 બોલમાં 75 રનની આક્રમક ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તિલકની આ તોફાની બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 200 રનનો મોટો લક્ષ્યાંક 19.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મેચ જીત્યા બાદ તિલક વર્માએ અનોખું સેલિબ્રેશન પણ કર્યું હતું. તેણે પોતાની ટી-શર્ટ થોડી ઊંચી કરીને અર્શદીપ સિંહ તરફ ઇશારો કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સે આ સેલિબ્રેશનને અર્શદીપના ‘અંધેરે’ વાળા કમેન્ટનો જવાબ ગણાવ્યો હતો. આ ક્લિપ પણ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા 8 વિકેટે 200 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રભસિમરન સિંહે 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે જોરદાર શરૂઆત કરી હતી. તિલક વર્માની આક્રમક ઇનિંગ ઉપરાંત વિલ જેક્સે પણ 10 બોલમાં અણનમ 25 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. મુંબઈએ 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ હાર પંજાબ કિંગ્સ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ છે. ટીમની આ સતત પાંચમી હાર હતી, જેના કારણે પ્લેઓફમાં પહોંચવાની તેમની આશાઓને મોટો ફટકો પડ્યો છે. હાલમાં પંજાબ કિંગ્સ 12 મેચમાં 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. આ સમગ્ર મામલે હજુ સુધી અર્શદીપ સિંહ અથવા પંજાબ કિંગ્સ તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો અને મેદાન પર થયેલા જવાબને લઈને ચર્ચા સતત વધી રહી છે.

Most Popular

To Top