SURAT

સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન

લાખોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત

સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં વિશ્વાસ વધારતું અને પોલીસની પારદર્શક કામગીરી દર્શાવતું “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા, ચોરી થયેલા તેમજ ગુનાઓમાં કબ્જે કરાયેલા કુલ રૂ. 6.62 લાખથી વધુના મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત શહેર પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-2, ઝોન-6ના ડીસીપી અને જે ડિવિઝનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી પૂર્ણ થઈ હતી. કાર્યક્રમ દરમિયાન લોકોને તેમની ગુમ થયેલી વસ્તુઓ પરત મળતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને મોબાઈલ ફોન અને સોનાના દાગીના પરત મળતાં ઘણા લાભાર્થીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા ઝડપથી તપાસ કરી મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત આપતા લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

આ કાર્યક્રમ હેઠળ કુલ 21 મોબાઈલ ફોન, એક વાહન અને બે સોનાની ચેઇન તથા લગડી સહિતનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો. જેમાં મોબાઈલ ફોનની કિંમત અંદાજે રૂ. 2.58 લાખ, વાહનની કિંમત રૂ. 30 હજાર અને સોનાના દાગીનાની કિંમત રૂ. 3.74 લાખ જેટલી હોવાનું જાહેર કરાયું હતું. કુલ મળીને રૂ. 6,62,408 નો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો હતો.

ભેસ્તાન પોલીસની આ કામગીરીને લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. શહેરમાં સતત વધી રહેલા મોબાઈલ ચોરી અને ગુમ થવાના બનાવો વચ્ચે પોલીસે ટૂંકા સમયમાં વસ્તુઓ શોધી માલિકોને પરત આપતાં સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે.“તેરા તુજકો અર્પણ” જેવા કાર્યક્રમો માત્ર વસ્તુઓ પરત આપવાનો ઉપક્રમ નથી, પરંતુ પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસનું સેતુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ છે. સુરત પોલીસની આ પહેલ અન્ય પોલીસ સ્ટેશનો માટે પ્રેરણારૂપ બની રહી છે.

Most Popular

To Top