World

અમેરિકામાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: ટેકઓફ બાદ જ એન્જિન ફેઈલ થતાં 12 લોકોના કરુણ મોત

અમેરિકાના મિસોરી રાજ્યમાં રવિવારે એક ભયાનક વિમાની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સ્કાઈડાઈવિંગ માટે ઉપયોગમાં લેવાતું એક ખાનગી વિમાન ટેકઓફના થોડા જ સમયમાં ક્રેશ થઈ જતાં પાયલોટ સહિત તમામ 12 લોકોના મોત નીપજ્યા હતા. કેન્સાસ સિટીથી આશરે 65 માઈલ દક્ષિણમાં આવેલા બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે વિમાન જમીન સાથે અથડાતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને કોઈને બચાવવાની તક જ મળી નહોતી. સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 11:30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. વિમાન એરપોર્ટ પરથી સામાન્ય રીતે ઉડાન ભર્યા બાદ ડાબી તરફ વળાંક લઈ રહ્યું હતું ત્યારે અચાનક તેની એન્જિન પાવરમાં ખામી સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વિમાનના પાયલોટે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કોઈ સુરક્ષિત સ્થળે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરતી ગતિ અને ઊંચાઈ ન હોવાને કારણે વિમાનનું સંતુલન બગડી ગયું.

બેટ્સ કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્જિન પાવર ગુમાવ્યા બાદ વિમાન ‘સ્ટૉલ’ થઈ ગયું હતું. એરોનોટિકલ ભાષામાં સ્ટૉલ એટલે કે જ્યારે વિમાન ઉડાન જાળવી રાખવા માટે જરૂરી ગતિ ગુમાવી દે અને પાયલોટનું નિયંત્રણ મર્યાદિત થઈ જાય. આવી સ્થિતિમાં વિમાનનો આગળનો ભાગ અચાનક નીચે નમી જાય છે. આ જ કારણસર વિમાન એરપોર્ટ નજીકના એક ખુલ્લા ખેતરમાં જોરદાર રીતે ખાબક્યું હતું. દુર્ઘટના બાદ 911 ઈમરજન્સી સેવાઓને મળેલી જાણકારીના આધારે મિસોરી હાઈવે પેટ્રોલ, બટલર પોલીસ વિભાગ અને બેટ્સ કાઉન્ટી શેરિફ ઓફિસ સહિત અનેક બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવકર્મીઓએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, આગ અને વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે વિમાનમાં સવાર કોઈપણ વ્યક્તિને બચાવી શકાયો નહોતો.

મિસોરી હાઈવે પેટ્રોલના સાર્જન્ટ જસ્ટિન ઇવિંગે ઘટનાસ્થળનું વર્ણન કરતાં કહ્યું કે દૃશ્ય અત્યંત ભયાવહ હતું. વિમાનનો મોટાભાગનો ભાગ આગમાં ખાખ થઈ ગયો હતો અને બચાવ કામગીરી શરૂ થાય તે પહેલાં જ તમામ મુસાફરોના મોત થઈ ચૂક્યા હતા. હાલ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તમામના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિમાનનું સંચાલન ‘સ્કાઈડાઈવ કેન્સાસ સિટી’ નામની સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું. વિમાનમાં સ્કાઈડાઈવિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો સવાર હોવાનું માનવામાં આવે છે. જોકે, મૃતકોમાં કેટલા કર્મચારીઓ અને કેટલા ગ્રાહકો હતા તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

અકસ્માત બાદ એરપોર્ટ આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા હતા અને તપાસ માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તથા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) જેવી એજન્સીઓને જાણ કરવામાં આવી છે. નિષ્ણાતોની ટીમ હવે વિમાનના અવશેષો, એન્જિન સિસ્ટમ અને ફ્લાઇટ ડેટાની તપાસ કરીને દુર્ઘટનાનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ એન્જિન ફેઈલર અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ટેક્નિકલ ખામી, જાળવણીમાં બેદરકારી અથવા અન્ય કોઈ પરિબળ જવાબદાર હતું કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટનાએ અમેરિકામાં ખાનગી ઉડ્ડયન સુરક્ષા અને સ્કાઈડાઈવિંગ ઓપરેશન્સ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Most Popular

To Top